પોલીસે સેક્સ વર્કર્સ સાથે દુર્વ્યવહાર ન કરવો : સુપ્રીમ કોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. જે અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસને સેક્સ વર્કર્સ સાથે સન્માનજક વ્યવહાર કરવા જણાવવામાં આવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસ સેક્સ વર્કર્સ સાથે મૌખિક કે શારીરિક રીતે દુર્વ્યવહાર ન કરે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાએ આ અંગે નિર્દેશ આપતા કહ્યું કે દેશમાં તમામ નાગરિકોને જે પ્રકારે બંધારણીય સંરક્ષણ મળેલું છે તેને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ ૧૯૫૬ હેઠળ ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ દેશમાં પ્રત્યેક વ્યક્તિને બંધારણની કલમ ૨૧ હેઠળ સન્માનજનક જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત છે. 

કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈ સેક્સ વર્કર સાથે યૌન ઉત્પીડન થાય તો તેને કાયદા હેઠળ તરત મેડિકલ મદદ સહિત યૌન હુમલાની પીડિતાને જે પણ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે તે કરાવવી જોઈએ. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે સેક્સ વર્કર પ્રત્યે પોલીસ ક્રૂર અને હિંસક વલણ અપનાવે છે. આ એવા પ્રકારનું છે કે એક એવો વર્ગ પણ છે જેના અધિકારોને માન્યતા મળી નથી. કોર્ટે કહ્યું કે પોલીસ અને અન્ય કાનૂન પ્રવર્તન એજન્સીઓએ સેક્સ વર્કરના હક પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ.  કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે બંધારણમાં નિર્ધારીત તમામ પાયાના માનવાધિકારો અને અન્ય અધિકારોનો જે રીતે દરેક નાગરિકોને હક છે તે જ રીતે સેક્સ વર્કર્સને પણ છે. પોલીસે તમામ સેક્સ વકર્સ સાથે સન્માનથી વ્યવહાર કરવો જોઈએ. તેમની સાથે મૌખિક કે શારીરિક રીતે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં. તેમને કોઈ પણ યૌન ગતિવિધિ માટે મજબૂર પણ કરવા જોઈએ નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી યોગ્ય દિશા નિર્દેશ પણ જારી કરવાની અપીલ થવી જોઈએ. જેથી કરીને દરોડા, ધરપકડ કે અન્ય કોઈ પણ અભિયાન દરમિયાન સેક્સ વર્કર્સની ઓળખ છતી ન થઈ જાય. પછી ભલે તે પીડિત હોય કે આરોપી. કોઈ તસવીર પણ પ્રકાશિત ન થાય. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્યોના શેલ્ટર હોમના પણ સર્વેના આદેશ આપ્યા છે. જેથી કરીને જો વયસ્ક મહિલાઓને તેમની ઈચ્છા વિરુદ્ધ અટકમાં લીધી હોય તો તેમની સમીક્ષા થાય અને છૂટકારો કરાવી શકાય. કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર્સ પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તેને અપરાધિક સામગ્રી ન ગણવી જોઈએ અને તેને પુરાવા તરીકે પણ રજુ કરવી જોઈએ નહીં. 

સેક્સ વર્કર્સના પુર્નવાસ અંગે બનાવવામાં આવેલી પેનલની ભલામણ પર સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વકર્સને આવેલી મુશ્કેલીઓ અંગે દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કોર્ટે સરકારો અને લીગલ સર્વિસ ઓથોરિટીને સેક્સ વર્કર્સ માટે વર્કશોપનું આયોજન કરવા માટે કહ્યું. જેથી કરીને તેમના અધિકારો અંગે જાણવા મળી શકે.

Share This Article