તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ લોકોનાં મોત થયા છે. વિરોધ પક્ષોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. મુખ્યપ્રધાન કે પલાનીસામીએ પોલીસ કાર્યવાહીમાં ૧૧ લોકોનાં મોત થયા હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ અથડામણમાં પોલીસ જવાનો સહિત અનેક લોકો ઘાયલ પણ થયા છે. રાજ્યપાલ બનવારિલાલ પુરોહિતે મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. પલાનીસામીએ મૃતકોના પરિવારજનોને દસ લાખ રૃપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જ્યુડિશિયલ તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે તુતિકોરનમાં આ મુદ્દે છેલ્લા ત્રણ મહિનાથી દેખાવો ચાલી રહ્યાં છે પણ આજે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થતાં પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તમિલનાડુના પાટનગર ચેન્નાઇથી ૬૦૦ કિમી દૂર આવેલા તુતિકોરનમાં દેખાવકારોએ સરકારી વાહનો અને ઇમારતો પર પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ૫૦૦૦ દેખાવકારો સ્થાનિક ચર્ચ પાસે એકત્ર થયા હતાં તેઓ જિલ્લા કલેક્ટરની ઓફિસ સુધી રેલીનું આયોજન કરવા માગતા હતા પણ પોલીસે તેમના રોકતા હિંસા ફાટી નીકળી હતી. પલાનીસામીએ પોલીસ કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યું હતું કે દેખાવકારોને જાહેર સંપત્તિનું નુકસાન કરતા રોકવા માટે કેટલીક વખત પોલીસને ટિયરગેસના સેલ અને ગોળીબાર કરવો પડે છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લાન્ટને કાયમ માટે બંધ કરવાની માગ સાથે ૨૦,૦૦૦ લોકો ક્લેક્ટર ઓફિસ જવા માગતા હતાં. આ પ્લાન્ટ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. માર્ચ, ૨૦૧૩માં ગેસ લીક થવાને કારણે પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો હતોે. જેના પગલે કંપની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગઇ હતી. ટ્રિબ્યુનલે રાજ્ય સરકારના આદેશને રદ કરતા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ ગઇ હતી. સુપ્રીમમાં હજુ આ કેસ ચાલી રહ્યો છે. એપ્લેટ ઓથોરિટીમાં આ કેસની સુનાવણી ૬ જૂને થનારી છે. ડીએમકેના કાર્યકરી પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સ્ટાલીને પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને ૧ કરોડનું વળતર આપવાની માગ કરી છે.