તાજેતરમાં સુરતનાં પાંડેસરા વિસ્તારમાંથી અજાણી બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકી પર દુષ્કર્મ કરી તેની ઘાતકી હત્યા કરાઈ છે. ગુજરાત પોલીસે સીસીટીવી, મોબાઈલ ફોન સહિતની અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખરે આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઇ ગયો છે. ગુનો કરીને પરિવાર સાથે રાજસ્થાન ભાગી ગયેલા આરોપી હર્ષસાંઈ રામરાજ ગુર્જરને લેવા માટે રાજસ્થાન પહોંચી ગઇ છે. પોલીસનું દ્રઢપણે માનવું છે કે, આ બાળકીની માતાની હત્યા પણ હર્ષસાંઈએ જ કરી હોવી જોઇએ.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના અંગેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. તેઓએ કહ્યું કે, આ કેસ ખુબ જ અટપટો હતો. બાળકીની ઓળખ મેળવવી ખુબ જ મુશ્કેલ હતું. ઘટના દિવસથી જ સુરત પોલીસ અને અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે રાત-દિવસ એક કરીને આવું રાક્ષસી કૃત્ય કરનારાને પણ શરમાવે તેને શોધી કાઢવા તમામ શક્તિ લગાવી હતી. અજાણી બાળકીના માતા-પિતાને શોધવા પોલીસે સોશ્યલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની મદદ લીધી હતી.
બાળકીના હજારો પોસ્ટરો છાપીને લગાવાયા હતા. પોલીસે જ્યાંથી લાશ મળી હતી તે અને તેની આસપાસનો વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. આવી તમામ તપાસ દરમિયાન કાળા રંગની શેવરોલે સ્પાર્ક ગાડી શંકાશીલ હાલતમાં શોધી કડાઈ હતી. આ ગાડીને કોણે અને કેવી રીતે ઉપયોગ કર્યો તે પણ શોધી કઢાયું હતું. તા. ૫ તથા ૬ એપ્રિલ દરમિયાન આ ગાડીનો ઉપયોગ હર્ષસાંઈ રામરાજ ગુર્જરે કર્યાનું બહાર આવ્યું હતું.
બીજીબાજુ પોલીસે ધોંસ ચાલુ રાખતા હર્ષસાંઈને પકડાઈ જવાની બીક લાગતા તે તા. ૧૬મી એપ્રિલના રોજ પરિવાર સાથે સુરતથી સામાન ભરી રાજસ્થાનના કુનકુરાખૂર્દ ગામે જતો રહ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રેન સવાઈમાધુપુરના એસપીને જાણ કરી આરોપી હર્ષસાંઇને ઝડપી લીધો હતો.
ત્યારબાદ તેનો કબજો લેવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી હતી. બાળકી પર દૂષ્કર્મ અને તેની હત્યા પણ હર્ષસાંઈ દ્વારા જ કરાઈ હોવાની શંકા પોલીસને છે. બાળકીની માતા પણ ગૂમ છે. જ્યારે મળી આવેલા બે ડેડબોડી પૈકી એક ડેડબોડી બાળકીની માતાની જ હોવાનું અનુમાન છે. આરોપીએ મા-દિકરીને કઇ રીતે રેપ કરી, તેમની હત્યા કર્યા અને કેવી રીતે કરી, તેમાં કોઇની સામેલગીરી છે કે કેમ વગેરે તમામ પ્રશ્નોના જવાબો આગામી દિવસોમાં મળી જશે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે