અમદાવાદ : આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરના સેલિબ્રેશનની ઉજવણીને લઇ અમદાવાદીઓમાં જબરદ્સ્ત ક્રેઝ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા જોરદાર સુરક્ષા વ્યવસ્થા અને સલામતીનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. પોલીસ દ્વારા એક રીતે અભેદ્ય સુરક્ષા કવચ અને શહેરની એકેએક ગતિવિધિ પર ચાંપતી બાજનજર રાખતું સમગ્ર વ્યવસ્થા તંત્ર ગોઠવી દેવાયું છે.
અમદાવાદ શહેરના, એસ.જી હાઇવે સહિતના વિસ્તારોમાં આશરે ૧૦૦૬ સીસીટીવી કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે. એટલું જ નહી, દારૂ પાર્ટી કરી બેફામ અને છાકટા બનનારા તત્વોને ઝબ્બે કરવા પોલીસ એક હજાર જેટલા બ્રેથ એનેલાઇઝર સાથે શહેરના માર્ગો અને વિવિધ સ્થળોએ ચેકીંગ કાર્યવાહી હાથ ધરશે.
એટલું જ નહી, દારૂ પીધેલા પકડાયેલા તત્વોને જેલભેગા કરવા ખાસ પોલીસ વાન મારફતે સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. શહેર પોલીસ તંત્ર દ્વારા થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર સેલિબ્રેશનની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે શહેરના સીજી રોડ પર ૨૦ અને એસજી હાઇવે પર ૨૮ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે અને તેના મારફતે શંકાસ્પદ હરકત પર સતત વોચ રખાશે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશનમાં ઘણીવાર ખાસ કરીને યંગસ્ટર્સ દારૂ-હુક્કા સહિત નશાની પાર્ટી કરી નશામાં ચકચૂર બની ભાન ભૂલી જતા હોય છે અને તેના કારણે અનિચ્છનીય અને શરમજનક ઘટનાઓ પણ બની જતી હોય છે, તેથી આવી અનિચ્છનીય ઘટના અને બનાવોને રોકવા શહેર પોલીસ તંત્રને હાઇએલર્ટ પર રખાયું છે અને સુરક્ષાની ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટ અને હવે ન્યુ યરના સેલિબ્રેશનમાં અસામાજિક તત્વો કોઇ અનિચ્છનીય ઘટના કે બનાવને અંજામ ના આપે તે માટે પણ પોલીસ દ્વારા ખાસ સલામતી વ્યવસ્થા અને સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે.
જેમાં પોલીસ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એક હજાર બાઇક દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવશે અને નશાખોર અને છાકટા બનેલા તત્વોને ઝબ્બે કરવામાં આવશે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે ખાસ વુમન સ્ક્વોડ બનાવવામાં આવી છે. જેમાં ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસકર્મીઓ રોડ સાઇડ રોમિયોને પકડી પાડશે. સેલિબ્રેશન દરમિયાન મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોવાથી લોકોમાં નાસભાગ, આગ લાગવાના અને દાઝવાના બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પોલીસે ૨૮થી વધુ પાર્ટી પ્લોટને પાર્ટીના આયોજન માટે અને ૨૦ જેટલી ડીજે સાઉન્ડ સિસ્ટમ માટે મંજૂરી આપી છે. પાર્ટી પ્લોટ, હોટેલ, ફાર્મ હાઉસ સહિત ઉજવણી થનારા સ્થળો પર હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર પણ રાખવા પડશે. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ૫૦૦ જેટલા ટ્રાફિક જવાનો પણ ખડેપગે રહેશે મોડી રાત સુધી ટ્રાફિકના જવાનોને પણ ફરજ પર તૈનાત રહેવાની ખાસ સૂચના અપાઇ છે, જેના કારણે રાત્રિના સમયે ન્યુ યર સેલિબ્રેશન વખતે શહેરના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહી અને ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો ના સર્જાય.