અમદાવાદ :પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત રાજ્યના જુદાજુદા જિલ્લાના અલગ અલગ પાકોના જાહેર થયેલા પાક કાપણી અખતરાઓમાં પ્રત્યક્ષ નિરીક્ષણની કામગીરીમાં પોલીસને પણ હાજર રહેવું પડશે. કૃષિવિભાગના અધિક મુખ્ય સચિવે રાજ્યના ડીજીપીને પત્ર લખીને પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરી છે. જા હવે પાક કાપણી અખતરાઓમાં નીરીક્ષણ દરમ્યાન પણ પોલીસને હાજરી આપવી પડશે તો, સ્વાભાવિક રીતે જ પોલીસ પર કામગીરી વધવાની સાથે સાથે માનસિક દબાણ વધી જશે. રાજ્યની પોલીસને ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાનું સંચાલન કરવા ઉપરાંત હવે રાજ્યની ભાજપ સરકારે તેમને પાણી ચોરી અટકાવવાની કામગીરી પણ સોંપી છે.
હવે તેમને પાક વીમા અખતરાઓના નિરીક્ષણની કામગીરીમાં પણ પોલીસ બંદોબસ્ત આપવો પડશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે રાજ્યના ડીજીપીને લખેલા પત્રમાં રાજ્યમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત પાક વીમાઓના દાવાઓની ગણતરી કરવા માટે પાક કાપણી અખતરા આધારિત હેક્ટર દીઠ ઉપજનો ઉપયોગ થતો હોવાથી પાક વીમા યોજના હેઠળ આવરી લેવાયેલા બધા જ પાકોના પાક કાપણી અખતરાઓની માપણી સમયે પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવવાનો સરકારે નિર્ણય લીધો છે.
મોટાભાગના પાક વીમાના અખતરાઓના માપણીની કામગીરી ખેતીવાડી ખાતાના અધિકારીઓ, જિલ્લા આંકડા અધિકારી અને તાલુકા પંચાયતના અધિકારી દ્વારા કરવામાં આવે છે. પાક કાપણી અખતરાની કામગીરી વખતે હિત ધરાવતી વ્યક્તિ દ્વારા કામગીરીમાં ખલેલ પહોંચાડવાની તથા બીન જરૂરી દબાણ લાવવાના પ્રયત્નો થતા હોવાથી પાક કાપણી અખતરાઓના પરિણામોને ધ્યાનમાં લઈ કાપણી સમયે પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. પાક કાપણી અખતરાની ગોઠવવાની કામગીરી ગ્રામ સેવક તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવે તે વખતે સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને આ કામગીરીમાં ફરજિયાત હાજર રહે તેવી સૂચના આપવા વિનંતી કરી છે.
જા કે, સરકારના આ નિર્ણયને પગલે પોલીસની કામગીરી વધવાની સાથે માનસિક દબાણ ઉભુ થાય તેવી પૂરી શકયતા છે, જેને લઇ પોલીસ વર્તુળમાં આંતિરક નારાજગી પણ જાવા મળી રહી છે.