મહેસાણામાં વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટેની આઈઈએલટીએસની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડી ઊંચા બેન્ડ લાવવાના કૌભાંડમાં ૪૫ જેટલા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પકડાયેલા ત્રણ આરોપીઓના પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીઓના કોટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સોએ રિમાન્ડમાં કબુલાત કરી છે કે, તેઓ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા બેસતા હતા, એક પેપરના રૂપિયા પાંચથી સાત હજાર રુપિયા લેતા હતા અને એક દિવસમાં બે પેપર લખતા હતા. સમગ્ર આઈઈએલટીએસ કોભાંડનો મુખ્ય સૂત્રધાર અમિતકુમાર ચૌધરી વિદેશ ભાગી ગયાની ચર્ચા થઇ રહી છે. ત્યારે પોલીસે તે કેવી રીતે વિદેશ ભાગી ગયો, ક્યાં દેશમાં ભાગી ગયો અને કોની મદદથી વિદેશ પહોંચી ગયો, સહિતના મુદ્દે તપાસ કરી છે.
પોલીસે તેના પાસપોર્ટ મેળવી અલગ અલગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર તપાસ કરવા ચક્રોગતિમાન કર્યા છે. તો બીજી તરફ આઈઈએલટીએસની પરીક્ષા માટે સાચા ઉમેદવારની જગ્યાએ ડમી વિદ્યાર્થી તરીકે બેસાડના શખ્સો એક પેપરના રૂપિયા પાંચથી સાત હજાર રુપિયા લેતા હતા અને એક દિવસમાં તે બે પેપર લખતા હોવાનો ખુલાસો થયો છે. આઈએલટીએસ પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના ૪ યુવકો અમેરિકા પહોંચી તો ગયા હતા, પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે દબોચી લીધા હતા. આ મામલે મુંબઇ એમ્બેસીએ મહેસાણા એસપીને તપાસ માટે જાણ કરતા આઈઈએલટીએસ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. મહેસાણાની જીઆઈડીસીમાં આ ૪ યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. ૨૧ લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલામાં પોલીસે ૪૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી અમેરિકા જવા માટે અને આઈએલટીએસ પાસ કરાવવા માટે વિદ્યાર્થી પાસે આઈએલટીએસ ના ફોર્મ પોતાના ઇ-મેલ આઈડીથી ભરાવતો હતો. જે ચાર યુવકો અમેરિકા ગેરકાયદેસર આઈએલટીએસ પાસ કરીને ગયા હતા તેઓ સ્નાતક સુધી ભન્યા ન હોવા છતાં અમિત ચૌધરીએ ચારેય યુવકોએ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હોય તેવું ખોટી રીતે દર્શાવી ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થીઓને નવસારી ખાતે ચાલતી આઈએલટીએસ ની પરીક્ષાના દિવસે સેન્ટર ફન સીટી હોટેલમાં તેમજ બાજુની સુપ્રીમ હોટેલમાં લઇ ગયો હતો. પરીક્ષા સમય દરમિયાન આઈ.ડી.પી. સ્પીકિંગ એક્ઝામીનર તેમજ ટી.ડી.એસ થતા રાઇટિંગ એક્ઝામીનર આઈએલટીએસ ના પેપર થતા ઉત્તરવહી અમિત ચૌધરીએ આપી હતી. તેમજ સ્પીકિંગ ઓડીઓ ક્લીપ આપી પોતાના મળતીયા માણસો સાથે મળી અંગ્રેજીમાં નબળા હોય એવા વિદ્યાર્થીઓની આઈએલટીએસ પેપરના જવાબો લખાવી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓને બદલે આ યુવકોને ૬થી ૮ બેન્ડ મેળવી આપ્યા હતા. એજન્ટોએ મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીસ શૈલેષભાઈ પટેલ અને સાંગણપુરમા રાજેન્દ્રકુમાર પટેલ એમ ચાર યુવકોને નવસારીના સેન્ટરમાં આઈએલટીએસની પરીક્ષા અપાવી આઈએલટીએસમાં ૮ બેન્ડ લાવી દીધા અને કેનેડા પહોંચાડી દીધા. જ્યાંથી ગત ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ કેનેડાથી અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. યુવકો બોટ ડૂબવા લાગતા અમેરિકાની લોકલ પોલીસ તેઓને બચાવી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય યુવકોને અંગ્રેજીમાં સવાલ જવાબ કરતા યુવકોને પરસેવો વળી ગયો હતો. બાદમાં ટ્રાન્સલેટરને બોલાવી યુવકોને સવાલ જવાબ કરાવ્યા હતા જેથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ૨૩ મે ૨૦૨૨ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી હતી.
આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લેનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની આ સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી આઈએલટીએસની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ કરીને આજે ૪૫ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ શખ્સોને ઝડપીને રિમાન્ડ પર લેતાં કબુલાત કરી હતી કે, તેઓ ડમી વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપવા બેસતા અને એક પેપરના ૭ હજાર લેતા હતા.