સુરત શહેરમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ વધુ સર્તક બની છે. ગણેશ ઉત્સવ દરમ્યાન વધુ અનિચ્છનીય બનાવ ના બને માટે શહેરમાં અનેક મહત્વના વિસ્તારોમાં આવેલ ગણેશ પંડાલ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તહેવારના દિવસોમાં જૂથ અથડામણ અથવા તો અસમાજિક તત્વોનો આતંક ના વધે માટે પોલીસ સતર્ક બનતા સુરક્ષા વધુ મજબૂત કરી છે.
ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય માટે 8 એસ.આર.પી ની કંપની તૈનાત કરાઈ. આ ઉપરાંત રેપિડી એકશન ફોર્સની ટીમો પણ તૈનાત રહેશે. સુરત શહેરમાં શાંતિનો માહોલ જાળવવા ઈદે મિલાદનું જૂલૂસ સાંજના ચાર ના બદલે સવારે 11 વાગ્યે નીકાળવામાં આવશે. તેમજ 200 જેટલા પોલીસ અધિકારીઓને પણ બહારથી બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત એક રેપિડ એક્શન ફોર્સની ટુકડી પણ મંગાવવામાં આવી છે. ગણેશ ઉત્સવ તહેવારની ઉજવણી દરમ્યાન શહેરમાં સૈયદપુરા અને વરીયાવી બજારમાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. વરિયાવી બજાર માં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી કાંકરીચાળો કરાયો. વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા હતા.