અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગત તા.૧૫-૮-૨૦૧૫ના રોજ શહેરના હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો પર પોલીસ અત્યાચારના ચકચારભર્યા કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ આજે ઘીકાંટા ફોજદારી કોર્ટમાં હાજર રહ્યો હતો. જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલીસ અત્યાચારના કેસમાં આજે હાર્દિક પટેલે મેટ્રોપોલીટન કોર્ટ નંબર-૨૩માં રૂબરૂ હાજર રહી અત્યંત વિસ્ફોટક અને સનસનીખેજ જુબાની આપતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.
હાર્દિક પટેલે પોલીસ અધિકારી અને સમગ્ર તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલો લાઠીચાર્જ જલિયાંવાલા બાગથી કમ નથી. એ વખતે મંચ પર આંદોલન કરવા આવેલી ૨૮ વર્ષની એક મહિલાને સેક્ટર-૧ના ઉચ્ચ પોલીસ અધિકારી રાજીવ રંજને જણાવ્યું હતું કે, અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે. હાર્દિકની જુબાની રેકર્ડ પર લીધા બાદ અને નોંધ્યા બાદ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્વારા કેસની વધુ સુનાવણી ડિસેમ્બર માસમાં મુકરર કરી હતી. હાર્દિક પટેલે બહુ બિન્દાસ્ત રીતે રીતે પોતાની જુબાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડી સરકારી તંત્રની પોલ ખોલી નાંખતી જુબાની આપી હતી અને એ વખતે પોલીસે કેવી રીતે પાટીદાર સહિતના યુવકો અને મહિલાઓને પોલીસ અત્યાચાર અને જાતીય સતામણીનો ભોગ બનાવ્યા હતા તેની સ્ફોટક માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. હાર્દિકની જુબાની સાંભળી એક તબક્કે વકીલો-પક્ષકારો સહિત સૌકોઇ ચોંકી ઉઠયા હતા. હાર્દિકે તેની જુબાનીમાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે તેઓ તા.૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ જીએમડીસી મેદાનમાં અનામત માટે આંદોલન કરી રહ્યા હતા, એ વખતે તા. ૨૫ ઓગસ્ટના સવારે ૭ વાગે લાખો લોકો ત્યાં ઉમટયા હતા અને ગ્રાઉન્ડમાં હાજર હતા. લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે. લોકશાહી દેશ ગણાતા ભારતનું બંધારણ લોકો બોલવાની, આંદોલન કરવાની મંજૂરી આપે છે. સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઉપÂસ્થત જંગી મેદની સામે મેં ૫૪ મિનિટ સામાજિક ઉત્થાન માટેની વાત રજૂ કરી હતી, જયારે હું મેદાન પર આવ્યો ત્યારે લોકો શાંતિપૂર્ણ રીતે સાંભળી રહ્યા હતા. આ એ જ સભા હતી, જે પહેલા સમગ્ર ગુજરાતમાં ૨૦૦થી વધુ રેલી અને સભાઓ યોજાઈ હતી. સરકારની સામે નવયુવાનો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા.
લોકોની આટલી બધી સંખ્યા હોવાથી અમારી ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે, આટલુ મોટુ જૂલુસ લઇને કલેકટરને આવદેનપત્ર આપવા જવું નથી અને તેથી નિર્ણય કર્યો કે, અમે મેદાન પર બેસી રહીશું. એ પછી પછી અમે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર લેવા માટે મંચ પર આવે તેવી માંગણી કરી હતી અને આનંદીબેન અમારો આવેદનપત્ર સ્વીકારે તે હેતુથી અમે બપોરે બે વાગે પરત મેદાન પર આવ્યા. એ પછી ઉપÂસ્થત લોકોની વાત માનીને અમે આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી ગયા. સમગ્ર ગુજરાતમાંથી આવી રહેલા લોકોની માંગ હતી કે હાર્દિક રેલી કરવી જરૂરી છે. જાણવા મળ્યું કે, કલેક્ટર સાહેબ ત્યાં હાજર ન હતા. લગભગ ૩ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં મેદાન પર રહેલી વિશાળ જનમેદની પોતાના વતન તરફ પરત ફરી રહી હતી. બાદમાં મેદાન પર હું અને મારી ટીમના ૨૦ થી ૨૨ લોકો ઉપવાસ પર ઉતર્યા. લોકોના હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને બધાને ઘરે જવા વિનંતી કરી હતી. એ સમયે સંવેદનશીલ સ્થિતિ વચ્ચે આશરે બે હજાર લોકો ને ડરાવવા, ધમકાવવા, હત્યા કરવાનો પ્રયાસ સરકારના પોલીસ વિભાગ કામ કરવામાં આવ્યુ હતું.
એ દિવસે આશરે ૧૫ થી ૧૬ હજાર પોલીસ દ્વારા લાઈટ ગુલ કરીને અચાનક જ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રે ૮-૧૦ની આસપાસ મેદાન પર લગભગ ૨૦૦૦ લોકો હતા. રાત્રએ ૮ વાગે લાઠીચાર્જનો જે બનાવ બન્યો તે જલિયાંવાલા બાગથી કમ ન હતો. મને અને સાહેબ તમને ન શોભે અને લજ્જા આવે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મંચની નીચે લાઠીચાર્જ થતાં ડરનો માહોલ થયો, ઘણા યુવાન નીચેથી મંચ પર આવ્યા. એ વખતે યુવાનોની પાછળ. વસ્ત્રાપુર પીઆઇ શેખ, સેક્ટર ૧ રાજીવ રંજન ભગત, પોલીસ અધિકારી જે સી પટેલ મંચ પર આવ્યા. અપરાધ સહન કરવો મારા ધર્મથી વિરુદ્ધ છે. પોલીસ બધાની રક્ષા માટે હોય છે. જવાબદાર પોલીસ અધિકારી કઈ જાતના છે, તેનાથી મને મતલબ નથી, પોલીસની કોઈ જાત નથી હોતી. છતાંય મંચ પર આંદોલન કરવા આવેલી ૨૮ વર્ષનીમહિલાને સેક્ટર ૧ રાજીવ રંજન કહ્યું કે, અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે. છતાંય કોર્ટને ધ્યાનમાં રાખીને મારી વાત કહી છે. પછી ઘણા પોલીસવાળાઓ દ્વારા મને પોલીસના ડબ્બામાં બેસાડીને લઈ જવામાં આવ્યો. આ શબ્દો શરમજનક છે અને કોર્ટ માટે શરમજનક છે. પોલીસે હુમલો કરીને નિર્દોષ યુવાનોને છાતીમાં ગોળીઓ મારી હતી, હાર્દિકે ભારે દુઃખ સાથે જણાવ્યું કે, મારે ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે, પોલીસની ક્રૂરતા અને તેમનો વ્યવહાર આમ જનતા માટે નુકસાનકારક છે.
પોલીસના ડબ્બાની બહાર ઉભેલી પોલીસ બંદૂકના પાછળના ભાગથી અમારી ઉપર હુમલા કર્યા હતા, જેનાથી ઘણાને ઇજા થઇ હતી. આ સમગ્ર ઘટનાને ત્રણ વર્ષ થયાં,પણ આજે પણ અમને પોલીસ પર ભરોસો કરતા દુઃખ થાય છે. હાર્દિકે એક તબક્કે અદાલતને વિનંતી કરી હતી કે, મારી આપશ્રીને અરજ છે, સત્તાના નશામાં અને પોતાની ફરજ ભૂલનારા દોષિત અધિકારીઓને કડક સજા આપવામાં આવે કે જેથી આવનારા દિવસોમાં કોઈ નિર્દોષને પોતાનો સ્વજન ગુમાવવાનો વારો ના આવે. પોલીસને ત્રણ સિંહો ટોપીમાં આપવામાં આવ્યા છે, એની મહત્તા અને ગરિમા પોલીસે જાળવવી જાઇએ.