પીએમસી કાંડ: રેકોર્ડમાંથી ૧૦.૫ કરોડ કેશ ગાયબ, એફઆઇઆરમાં ઉમેરાઇ શકે છે નવી કલમો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક કોંભાડના મામલામાં બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ટીમે કહ્યુ છે કે બેંકના રિકોર્ડમાંથી કુલ ૧૦.૫ કરોડની રોકડ રકમ ગાયબ થયેલી છે.

તપાસ ટીમને એચડીઆઇએલ અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક ચેક મળી આવ્યા છે. આ ચેક બેંકમાં ક્યારેય જમા કરવામાં આવ્યા ન હતા. છતાં તેમને કેશ રકમ આપવામાં આવી હતી. સાથે સાથે એક હેરાન કરનાર બાબત એ પણ છે કે આ કોંભાડ ૪૩૫૫ કરોડમાં નહીં બલ્કે ૬૫૦૦ કરોડમાં છે. પીએમસી બેંકની આંતરિક તપાસ ટીમને જે ચેક મળ્યા છે તે ૧૦ કરોડ રૂપિયાથી વધારેના છે. બાકીના ૫૦-૫૫ લાખ રૂપિયાના કોઇ હિસાબ નથી.

આ ઉપરાંત બેંક અધિકારીઓએ કોંભાડની રકમ પહેલા ૪૩૫૫ કરોડની કહી હતી. હવે આ રકમ ૬૫૦૦ કરોડની હોવાનુ જાણવા મળ્યુ છે. બેંકને હાલમાં ૧૦.૫ કરોડ રૂપિયાની રકમ ગાયબ હોવાની માહિતી મળી છે. જ્યારે આરબીઆઇ દ્વારા નિમણૂંક વહીવટીતંત્રે પણ તપાસ હાથ ધરી છે.

નિયુક્ત વહીવટીતંત્રના આદેશ પર બેંકની નાણાંકીય લેવડદેવડની રકમ અંગે માહિતી મેળવી લીધી છે. જેમાં કોંભાડની રકમ વધારે હોવાની વિગત સપાટી પર આવી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે એચડીઆઇએલ તેમજ ગ્રુપની અન્ય કંપનીઓ કેશ ઇચ્છતી હતી. એફઆઇઆરમાં નવી કલમ ઉમેરવામાં આવી શકે છે. લોન કોંભાડની રકમ ૪૩૫૫ કરોડથી વધારેની છે. હવે એફઆઇઆરમાં કોંભાડની રકમની હેરાફેરીની કલમ ઉમેરવામાં આવી શકે છે.

Share This Article