નવી દિલ્હી: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદનાર માટે પાંચ વર્ષના લોક ઇન પિરિયડ રાખવાની યોજના બની રહી છે. આનો મતલબ એ થયો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદનાર લોકો પાંચ વર્ષ સુધી તેને વેચી શકશે નહીં. આના પર સૈદ્ધાંતિકરીતે સહમતિ થઇ ગઇ છે. ટૂંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવશે. સ્કીમનો લાભ અસલ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫૪ લાખ ઘરને મંજુરી મળી છે. આઠ લાખ ઘર બની ગયા છે. સુત્રોના કહેવા મુજબ સરકારને લાગી રહ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો ઉપયોગ થઇ શકે છે. લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન લઇને તેને પ્રોપર્ટી ડીલર્સને વેચી શકે છે. આવી સ્થિતિ માં સરકાર દ્વારા લોનમાં આપવામાં આવતી સબસિડી બિનજરૂરી થઇ જશે.
નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, સરકારનો હેતુ છે કે, જે લોકોની પાસે પોતાના મકાન નથી તેને મકાન મળે. આજ કારણ છે કે, લોન પર આટલી મોટી સબસિડી મળી રહી છે. જા આનો દુરુપયોગ થશે તો આ યોજનાનું કોઇ મહત્વ રહેશે નહીં. દુરુપયોગને રોકવા માટે કડક નીતિગત પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સમીક્ષા હેતુસર થોડાક સમય પહેલા જ મિટિેંગ બોલાવવામાં આવી હતી જેમાં પીએમઓ, નાણામંત્રાલય અને અન્ય સંબંધિત મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમા વડાપ્રધાન આવાસ યોજનામાં લોક ઇન પિરિયડને નક્કી કરવામાં આવેલી અવધિને લઇને પણ વાત કરવામાં આવી હતી. લોકઇન પિરિયડને નક્કી કરવા ભલામણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ભલામણને પીએમઓ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. હવે કેબિનેટ મારફતે તેને લાગૂ કરાશે.