જાણો પીએમ કેમ કરશે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ?

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આગામી સમયમાં સમગ્ર દેશમાં પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૬ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ બપોરના ૧૧ થી ૧ર કલાક દરમિયાન આ વિષય અંગે વિડીયો કોન્ફરન્સ કરનાર છે. વડાપ્રધાન આ વિડીયો કોન્ફરન્સ દ્વારા ધોરણ ૬ થી ૧રના અને કોલેજના વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધી માર્ગદર્શન આપી તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરશે.

આ સંદર્ભમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશના રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે સંવાદ કરીને વડાપ્રધાનશ્રીના આગામી વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ સંબંધે વિગતો આપી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ કાર્યક્રમ સંબંધે આનુષંગિક તૈયારીઓ માટેની સજ્જતા પણ દર્શાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષાઓના સમયે વિદ્યાર્થીઓમાં અનુભવાતી તાણના વિષયે એક્ઝામ વરીયર્સ શીર્ષક હેઠળ ર૦૮ પાનાનું પુસ્તક લખ્યું છે. જેનું ગત જાન્યુઆરી મહિનામાં વિમોચન થયું હતું. આ પુસ્તકમાં આ વિષયની વિસ્તૃત છણાવટ કરાઇ છે.

Share This Article