કર્ણાટક પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના વાહનની આગળ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે મોબાઈલ અકસ્માતે ફૂલની સાથે પડ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો આ ત્રીજો કિસ્સો છે. મૈસૂરમાં પીએમ મોદીના રોડ શોમાં મોબાઇલ ફેંકવાની ઘટનાથી હડકંપ મચી ગયો. પરંતુ એસપીજીના જવાનોએ તત્કાલ તે મોબાઇલને પીએમ મોદીની ગાડીથી દૂર કર્યો હતો. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે ભાજપ સમર્થકના હાથમાંથી ભૂલમાં ફોન છૂટી ગયો હતો અને પીએમ મોદીના કાફલાની ગાડીમાં પડ્યો હતો. પોલીસે તેની પુષ્ટિ કરી છે. કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ત્રણ મહિનામાં ત્રીજીવાર ચૂક થઈ છે.
આ પહેલાં ૨૫ માર્ચે દાવણગેરેમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પીએમ મોદી તરફ દોડ લગાવી દીધી હતી. દાવણગેરેમાં પીએમ મોદીનો રોડ શો થઈ રહ્યો હતો. બંને તરફ ભીડ હતી. આ વચ્ચે એક વ્યક્તિએ ભાગીને પીએમની પાસે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સુરક્ષાદળોએ તેને દૂર કર્યો હતો. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક બાળક પીએમ મોદીની નજીક પહોંચી ગયું હતું. બાળક ધોરણ ૬માં અભ્યાસ કરતો હતો અને પીએમ મોદીને માળા પહેરાવવા ઈચ્છતો હતો. એસપીજીના જવાનોએ તત્કાલ હાથમાંળી માળા લઈને તેને પરત કરી દીધો હતો.