જાણો આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાય

KhabarPatri News
By KhabarPatri News 11 Min Read

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસિયાન દેશોના સંદર્ભમાં લખાયેલા લેખમાં આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

થાઇલેન્ડ:

આસિયાનમાં થાઇલેન્ડ ભારતનાં મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર દેશ તરીકે બહાર આવ્યો છે અને આસિયાનમાંથી ભારતમાં મહત્ત્વપૂર્ણ રોકાણકાર દેશોમાંનો એક પણ છે. છેલ્લાં દસકામાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારે વધ્યો છે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે સંબંધો ઘણાં વિસ્તારોમાં વિસ્તૃતપણે ફેલાયેલા છે. અમે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાને જોડતાં મહત્ત્વપૂર્ણ રિજનલ પાર્ટનર્સ છીએ. અમે આસિયાન, ઇસ્ટ એશિયા સમિટ અને બિમ્સ્ટેક (ધ બે ઓફ બેંગાલ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન)માં ગાઢ સહકાર ધરાવીએ છીએ, તેમજ મેકોંગ ગંગા સહકાર, એશિયા કોઓપરેશન ડાયલોગ અને હિંદ મહાસાગરનાં દેશોનાં સંગઠન સાથે પણ જોડાયેલા છીએ. થાઇલેન્ડનાં પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૬માં ભારતની મુલાકાત લીધી હતી, જેનાં પરિણામે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.

જ્યારે થાઇલેન્ડનાં મહાન અને લોકપ્રિય રાજા ભૂમિબોલ આદુલ્યદેજનું નિધન થયું હતું, ત્યારે થાઈ ભાઈઓ અને બહેનોની સાથે સમગ્ર ભારતીયોની લાગણી જોડાયેલી હતી. થાઇલેન્ડનાં નવા રાજા મહામહિમ રાજા મહા વજિરાલોંગકોર્ન બોદિન્દ્રાદેબાયાવારાંગકુનનાં લાંબા, સમૃદ્ધ અને શાંતપૂર્ણ શાસન માટે પ્રાર્થના કરવામાં થાઇલેન્ડનાં મૈત્રીપૂર્ણ લોકો સાથે ભારતનાં લોકો પણ જોડાયાં હતાં.

 વિયેતનામ:

ભારત અને વિયેતનામ વિદેશી શાસનમાંથી સ્વતંત્રતા મેળવવા અને આઝાદી માટેની રાષ્ટ્રીય લડાઈ માટે એકસમાન સંઘર્ષમાં ઐતિહાસિક મૂળિયા સાથે પરંપરાગત, ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. મહાત્મા ગાંધી અને હો ચી મિન્હ જેવા રાષ્ટ્રીય મહાનાયકોએ બંને દેશોની જનતાને સંસ્થાનવાદ સામે લડવા માટે પ્રેરિત કર્યા હતાં. વર્ષ ૨૦૦૭માં વિયેતનામનાં પ્રધાનમંરી ન્ગુયેન તાન ડુંગની મુલાકાત દરમિયાન અમે વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતી કરી હતી. આ વ્યૂહાત્મક ભાગીદારી વર્ષ ૨૦૧૬માં વિયેતનામની મારી મુલાકાત દરમિયાન વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થઈ છે.

વિયેતનામ સાથે ભારતનાં સંબંધો આર્થિક અને વાણિજ્યિક જોડાણ દ્વારા વિકસી રહ્યાં છે. છેલ્લાં ૧૦ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ ૧૦ ગણો વધ્યો છે. ભારત અને વિયેતનામ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે સંરક્ષણ સહકાર વિકસ્યો છે. બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.

મ્યાન્માર:

ભારત અને મ્યાન્માર ૧૬૦૦ કિમીથી વધારે જમીન સરહદ તેમજ દરિયાઈ સરહદ ધરાવે છે. આપણાં સહિયારા ઐતિહાસિક ભૂતકાળની જેમ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ગાઢ સંબંધ અને આપણો સહિયારો બૌદ્ધિક વારસો એકતાંતણે જોડી રાખે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્વેદાગોન પગોડાનો ચમકતો ટાવર છે. ભારતીય પુરાતત્ત્વીય સર્વેનાં સાથસહકાર સાથે બાગાનમાં આનંદા મંદિરને પુનઃસ્થાપિત કરવાનો સહકાર આ સહિયારા વારસાનું પ્રતિક પણ છે.

સંસ્થાનવાદી ગાળા દરમિયાન આપણાં નેતાઓ વચ્ચે રાજકીય સંબંધોનું નિર્માણ થયું હતું, જેમણે સ્વતંત્રતા માટે આપણાં સામાન્ય સંઘર્ષ દરમિયાન આશા અને એકતાનું પ્રદર્શન કર્યું હતું. ગાંધીજી કેટલીક વખત યાંગુનની મુલાકાત લીધી હતી. બાળગંગાધર તિલકને ઘણાં વર્ષો સુધી યાંગુનમાં કાળા પાણીની સજા થઈ હતી. ભારતની આઝાદી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝે કરેલાં આહવાને મ્યાન્મારમાં ઘણાં લોકોનાં હૃદયમાં ખળભળાટ મચાવ્યો હતો અને તેમનું દિલ જીતી લીધું હતું.

છેલ્લાં દસકામાં આપણો વેપાર બમણાથી વધારે વધ્યો છે. આપણાં રોકાણનાં સંબંધો પણ મજબૂત છે. વિકાસમાં સહકારે મ્યાન્માર સાથે ભારતનાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અત્યારે આ સહાય પોર્ટફોલિયો ૧.૭૩ અબજ ડોલરનો છે. મ્યાન્મારની રાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ ભારતનો પારદર્શક વિકાસ સહકાર અને આસિયાન જોડાણનાં માસ્ટર પ્લાન સાથે સમન્વય પણ સ્થાપિત કરે છે.

સિંગાપુર:

ભારતનાં અગ્નિ એશિયાનાં દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો માટે, વર્તમાન સંબંધોની પ્રગતિ માટે અને ભવિષ્યની સંભવિતતા માટે સિંગાપુર પ્રવેશદ્વાર સમાન છે. સિંગાપુર ભારત અને આસિયાન વચ્ચે સેતુ સમાન છે.

અત્યારે તે અમારાં માટે પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર, અગ્રણી આર્થિક ભાગીદાર અને મુખ્ય વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદાર છે, જે કેટલાંક પ્રદેશો અને વૈશ્વિક મંચોમાં આપણાં સભ્યપદમાં પ્રતિબિંબિત થાય છે. સિંગાપુર અને ભારત વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.

આપણાં રાજકીય સંબંધો શુભેચ્છા, ઉષ્મા અને વિશ્વાસનાં પાયા પર આધારિત છે. આપણાં સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધો બંને માટે સૌથી વધુ મજબૂત સંબંધોમાંનાં એક છે.

આપણી આર્થિક ભાગીદારી આપણાં બંને દેશો માટે પ્રાથમિકતાનાં દરેક ક્ષેત્રને આવરી લે છે. ભારતમાં સૌથી વધુ રોકાણ કરતાં દેશોમાં સિંગાપુર સ્થાન ધરાવે છે.

સિંગાપુરમાં હજારો ભારતીય કંપનીઓ નોંધણી ધરાવે છે.

૧૬ ભારતીય શહેરો સિંગાપુરમાં દર અઠવાડિયે ૨૪૦થી વધારે સીધી ફ્લાઇટ ધરાવે છે. સિંગાપુરની મુલાકાત લેતાં વિદેશી પ્રવાસીઓમાં ભારતીયો ત્રીજું સૌથી મોટું જૂથ છે.

સિંગાપુરની પ્રેરણાત્મક બહુસાંસ્કૃતિકતા અને પ્રતિભાશાળી લોકો માટે સન્માનની ભાવના જીવંત અને ગતિશીલ ભારતીય સમુદાય ધરાવે છે, જે બંને દેશો વચ્ચે સંબંધોને ગાઢ બનાવવામાં યોગદાન આપી રહ્યો છે.

ફિલિપાઇન્સ:

મેં બે મહિના અગાઉ ફિલિપાઇન્સની અતિ સંતોષકારક મુલાકાત લીધી હતી. આસિયાન-ભારત, ઇએએસ અને સંબંધિત શિખર સંમેલનોમાં હાજરી આપવા ઉપરાંત મને રાષ્ટ્રપતિ દુતેર્તેની મુલાકાતથી આનંદ થયો હતો. અમે આપણાં ઉષ્માસભર અને સમસ્યામુક્ત સંબંધને આગળ કેવી રીતે વધારવા એ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને દેશો સેવા ક્ષેત્રમાં મજબૂત છે અને આપણો વૃદ્ધિદર મુખ્ય દેશોમાં સૌથી ઊંચો છે. આપણી વેપાર-વાણિજ્યિક ક્ષમતાને કારણે આપણી વેપારની સંભવિતતા ઘણી વધારે છે.

મેં સર્વસમાવેશક વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડવાનાં મુદ્દે રાષ્ટ્રપતિ દુતેર્તેની કટિબદ્ધાની પ્રશંસા કરી હતી. આ એવા ક્ષેત્રો છે, જેમાં બંને દેશો એકસાથે કામ કરી શકે છે. અમને સાર્વત્રિક આઇડી કાર્ડ, નાણાકીય સર્વસમાવેશકતા, તમામ માટે બેંકિંગ સુવિધાઓ સુલભ કરવી, સરકારી લાભોનું સીધું હસ્તાંતરણ સુલભ કરવું તથા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં ફિલિફાઇન્સ સાથે અમારો અનુભવ વહેંચવાનો આનંદ થશે. ફિલિપાઇન્સની સરકાર માટે પ્રાથમિકતાનું અન્ય એક ક્ષેત્ર તમામ માટે વાજબી કિંમતે દવાઓ સુલભ કરાવવાનું છે, જેમાં અમે પ્રદાન કરવા તૈયાર છીએ. મુંબઈથી મારાવી સુધી આતંકવાદને કોઈ સીમા નથી. અમે આ સામાન્ય પડકાર સામે લડવા ફિલિપાઇન્સ સાથે અમારાં સહકારને વધારી રહ્યાં છીએ.

 મલેશિયા:

ભારત અને મલેશિયા વચ્ચે સમકાલીન સંબંધો વિસ્તૃત છે અને ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલા છે. ભારત અને મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે તથા બંને દેશો બહુપક્ષીય અને અનેક ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે. મલેશિયાનાં પ્રધાનમંત્રીની વર્ષ ૨૦૧૭માં ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.

મલેશિયા આસિયાનમાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે તા આસિયાનમાંથી ભારતમાં મહત્ત્વપૂર્ણ રોકાણકાર દેશોમાંનો એક છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત અને મલેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારે વધ્યો છે. બંને દેશો વર્ષ ૨૦૧૧થી દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતી ધરાવે છે. આ સમજૂતી એ અર્થમાં વિશિષ્ટ છે કે બંને પક્ષો ચીજવસ્તુઓનાં વેપારમાં આસિયાન પ્લસ કટિબદ્ધતાઓ પ્રસ્તુત કરે છે તથા સેવામાં અને વેપારમાં ડબલ્યુટીઓ પ્લસ પ્રસ્તાવનું આદાનપ્રદાન કરે છે. બંને દેશો વચ્ચે મે, ૨૦૧૨માં સંશોધિત બમણો કરવેરા ટાળવા માટે સમજૂતી થઈ હતી તથા વર્ષ ૨૦૧૩માં કસ્ટમ્સ સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) થયાં હતાં, જેનાથી આપણાં વેપાર અને રોકાણ સહકારમાં વધારો થયો હતો.

બ્રુનેઈ:

છેલ્લાં દસકામાં ભારત અને બ્રુનેઈ વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં બમણાથી વધારે વધારો થયો છે. ભારત અને બ્રુનેઈ સંયુક્ત રાષ્ટ્ર, બિનજોડાણવાદી સંગઠન (એનએએમ), કોમનવેલ્થ, એઆરએફ વગેરેમાં સભ્યો છે તથા મજબૂત પરંપરાગત અને સાંસ્કૃતિક સંબંધો સાથે વિકાસશીલ રાષ્ટ્રો તરીકે બ્રુનેઈ અને ભારત મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની વિભાવનાઓમાં વાજબી સમાનતા ધરાવે છે. બ્રુનેઈનાં સુલતાને મે, ૨૦૦૮માં ભારતની મુલાકાત લીધી હતી, જે ભારત-બ્રુનેઈનાં સંબંધોમાં સીમાચિહ્નરૂપ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી, ૨૦૧૬માં ભારતનાં ઉપરાષ્ટ્રપતિએ બ્રુનેઈની મુલાકાત લીધી હતી.

લાઓ પીડીઆર:

ભારત અને લાઓ પીડીઆર વચ્ચેનાં સંબંધો ઘણાં ક્ષેત્રોમાં વિસ્તૃતપણે અસ્તિત્વ ધરાવે છે. લાઓ પીડીઆરમાં ભારત વીજ ટ્રાન્સમિશન અને કૃષિ ક્ષેત્રોમાં સક્રિયપણે સહભાગી છે. અત્યારે ભારત અને લાઓ પીડીઆર અનેક બહુપક્ષીય અને પ્રાદેશિક મંચ પર સહકાર આપી રહ્યાં છે.

જ્યારે ભારત અને લાઓ પીડીઆર વચ્ચે હજુ પણ સંભવિતતા કરતાં ઓછો વેપાર છે, ત્યારે ભારતે લાઓ પીડીઆરને ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ સ્કીમનો લાભ આપ્યો છે, જેથી લાઓ પીડીઆરમાંથી ભારતમાં ચીજવસ્તુઓની નિકાસને પ્રોત્સાહન મળ્યું છે. અમે પણ લાઓ પીડીઆરનાં અર્થતંત્રનાં નિમાણમાં સેવાઓનાં વેપારમાં પુષ્કળ તકો પણ ધરાવીએ છીએ. આસિયાન-ભાર સર્વિસીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટનાં અમલીકરણથી આપણી સેવાઓનોં વેપાર સુલભ કરવામાં મદદ મળશે.

ઇન્ડોનેશિયા:

હિંદ મહાસાગરમાં ફક્ત ૯૦ નોટિકલ માઇલનાં અંતરે સ્થિત ભારત અને ઇન્ડોનેશિયા છેલ્લાં ૨,૦૦૦થી વધારે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે.

ઓડિશામાં વાર્ષિક બાલિજાત્રાની ઉજવણી હોય કે રામાયણ અને મહાભારતની દંતકથાઓની ઉજવણી હોય, આ વિશિષ્ટ સાંસ્કૃતિક જોડાણ એશિયાનાં બે સૌથી મોટાં લોકશાહી દેશોનાં લોકોને વિશેષ પડોશીનાં તાંતણે જોડે છે. ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતનું મંચન ઠેરઠેર જોવા મળે છે.

‘વિવિધતામાં એકતા’ કે ભિન્નેકા તુંગ્ગલ ઇકા બંને દેશોનું સહિયારું સામાજિક મૂલ્ય છે અને સામાજિક માળખાનું મુખ્ય પાસું છે. એટલું આપણાં બંને દેશોની લોકશાહી અને કાયદાનાં શાસાનનાં સર્વસામાન્ય મૂલ્યોમાં સામેલ છે. અત્યારે વ્યૂહાત્મક ભાગીદારો તરીકે આપણાં સાથસહકારનાં સંબંધ રાજકીય, આર્થિક, સંરક્ષણ અ સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો એમ તમામ પાસાંઓમાં ફેલાયેલો છે. ઇન્ડોનેશિયા આસિયાનમાં આપણું સૌથી મોટું વેપારી ભાગીદાર દેશ તરીકે જળવાઈ રહ્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ૨.૫ ગણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વર્ષ ૨૦૧૬માં ભારતની મુલાકાત લીધી હતી, જેની દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.

કમ્બોડિયા:

ભારત અને કમ્બોડિયા વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધો સાંસ્કૃતિક જોડાણમાં ઊંડા રહેલાં છે. અંગકોર વાટ મંદિરનું ભવ્ય સ્થાપત્ય આપણી પ્રાચીન ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણનો ભવ્ય પુરાવો અને સંકેત છે. કમ્બોડિયામાં ૧૯૮૬થી ૧૯૯૩ વચ્ચે મુશ્કેલ ગાળો હતો. આ સમયગાળા દરમિયાન અંગકોર વાટ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો અને તેનું સંરક્ષણ કરવાનો ભારતને ગર્વ છે. ભારતે તા-પ્રોહ્મ મંદિરનાં ચાલુ જીર્ણોદ્ધારમાં આ અમૂલ્ય જોડાણ જાળવી રાખ્યું છે.

ખમેર રુઝ શાસનનાં પતન પછી ૧૯૮૧માં કમ્બોડિયામાં નવી સરકારને માન્યતા આપનાર ભારત પ્રથમ દેશ હતો. ભારત પેરિસ શાંતિ સમજૂતી સાથે પણ સંકળાયેલો હતો, જેને વર્ષ ૧૯૯૧માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો ઉચ્ચસ્તરીય મુલાકાતોનાં નિયમિત આદાનપ્રદાન મારફતે મજબૂત થયાં છે. અમે સંસ્થાગત ક્ષમતાનાં નિર્માણ, માનવ સંસાધન વિકાસ, વિકાસલક્ષી અને સામાજિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક આદાનપ્રદાન, સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર, પ્રવાસન અને લોકો વચ્ચે સંપર્ક જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણો સહકાર સતત વધી રહ્યો છે.

આસિયાનનાં સંદર્ભમાં અને વિવિધ વૈશ્વિક મંચો પર કમ્બોડિયા મહત્ત્વપૂર્ણ અને ભારત માટે સહયોગી ભાગીદાર છે. કમ્બોડિયાનાં આર્થિક વિકાસમાં ભારત કટિબદ્ધ ભાગીદાર તરીકે જળવાઈ રહ્યો છે અને તેનાં પરંપરાગત સંબંધોને વધારવા આતુર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, તે જાણવા માટે ક્લિક કરો

Share This Article