અમદાવાદ : ભારતનાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025નો શુભારંભ કરશે. આ ઘોષણા સહકારી સંસ્થા ઇફકો, ભારત સરકારનાં સહકારિતા મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન દ્વારા સંયુક્તરૂપે આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.
વૈશ્વિક સહકારી ચળવળ માટેની અગ્રણી સંસ્થા, આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (આઇસીએ)ના 130 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત, આઇસીએ જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સનું આયોજન ઇફકોની પહેલથી ભારત દ્વારા કરવામાં આવશે.
ભારત સરકારનાં સહકારિતા મંત્રાલયનાં સેક્રેટરી ડૉ. આશીષ કુમાર ભૂટાનીએ જણાવ્યું કે, ભારત સરકારનાં માનનીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ 25 નવેમ્બર 2024નાં રોજ બપોરે 3 વાગ્યે તેમની ગૌરવપૂર્ણ હાજરી સાથે આ કાર્યક્રમની શોભા વધારશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક સહકારી પરિષદના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025 પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે.
ઇફકો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ પ્રેસને જણાવ્યું હતું કે ભૂતાનના માનનીય વડા પ્રધાન મહામહિમ દાશો શેરિંગ તોબગે અને ફીજીના માનનીય નાયબ વડા પ્રધાન મહામહિમ મનોઆ કામિકામિકા પણ સન્માનિત મહેમાનો તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
તેમણે એ પણ માહિતી આપી હતી કે આ કાર્યક્રમનું આયોજન 25મી નવેમ્બરથી 30મી નવેમ્બર 2024 દરમિયાન ભારત મંડપમ, આઈટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઈવેન્ટની થીમ ‘સહકાર દ્વારા સૌ માટે સમૃદ્ધિનું નિર્માણ’ હશે અને પેટા થીમ હશે
• પોલિસી અને આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમને સક્ષમ કરવી
• તમામ માટે સમૃદ્ધિનું નિર્માણ કરવા હેતુપૂર્ણ નેતૃત્વનું પાલન કરવું
• સહકારી ઓળખની પુનઃ પુષ્ટિ
• ભવિષ્યને આકાર આપવો : 21મી સદીમાં તમામ માટે સમૃદ્ધિની અનુભૂતિ
સહકારિતા મંત્રાલયનાં સેક્રેટરી ડૉ. આશીષ કુમાર ભૂટાનીએ પ્રેસને જણાવ્યું કે, આ આયોજનનો વિષય ‘સહકાર દ્વારા સૌ માટે સમૃદ્ધિનું નિર્માણ’ ભારત સરકારના ‘સહકાર સે સમૃદ્ધિ’ના સૂત્રને અનુરૂપ છે, શાબ્દિક રીતે જેનો અર્થ થાય છે ‘સહકાર દ્વારા સમૃદ્ધિ’. એક અલગ સહકારી મંત્રાલયની રચના અને પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે અમિત શાહની નિયુક્તિથી, ભારતીય સહકારી ક્ષેત્રએ સહકારી ચળવળનાં વિકાસ અને વૃદ્ધિ માટે 54 મોટી પહેલો શરૂ કરીને રાષ્ટ્રીય જીડીપીમાં વધુ યોગદાન આપીને નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. પછી ભલે એ PACSનું કોમ્પ્યુટરાઈઝેશન હોય કે રાષ્ટ્રીય સ્તરે સહકારી સંસ્થાઓની હાજરી ન હોય તેવા વિસ્તારોમાં ત્રણ નવી બહુ-રાજ્ય સહકારી સમિતિઓની રચના હોય, આ તમામ પગલાંએ ભારતને વૈશ્વિક સહકારી ચળવળમાં મોખરે સ્થાન આપ્યું છે અને ભારત સૌથી ઝડપી વિકાસ પામતા સહકારી ક્ષેત્રો પૈકીનું એક બની ગયું છે