અમદાવાદ : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણની ઘડીઓ નજીક આવી રહી છે. તેમતેમ આદિવાસીઓમાં તેનો વિરોધ ઉત્તરોત્તર વધી રહ્યો છે. લોખંડી પુરૂષ સરદાર પટેલને આગળ ધરીને આદિવાસી વિસ્તારને લૂંટવા તેમને આગળ ધર્યા છે અને આદિવાસીઓની જમીન ભાજપ સરકારના મંત્રીઓ અને મળતીયાઓએ પચાવી લીધી હોવાનો ઉલ્લેખ કરીને સરદાર પટેલના વંશજોને આદિવાસી સમાજ વતી ડો. પ્રફૂલ વસાવાએ અપીલ કરતો એક પત્ર લખતાં ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે, પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આદિવાસીઓની હાય લાગશે અને ૨૦૧૯માં વડાપ્રધાન નહીં બને તેવી હૈયાવરાળ કાઢી ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે.
ડો.પ્રફુલ વસાવાએ જણાવ્યું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ઉપયોગ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે હજારો આદિવાસીઓની આંખોમાં આંસુ લાવીને પ્રતિમા બનાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીને આદિવાસીઓની હાય લાગશે અને નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણીમાં હારી જશે અને વડાપ્રધાન નહીં બની શકે તેવી હૈયાવરાળ આદિવાસી સમાજે કાઢી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, સરદાર પટેલની પ્રતિમાને આગળ ધરીને ઉદ્યોગપતિઓના હાથે આદિવાસી વિસ્તારને લૂંટવા માટે તેમને આગળ ધરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ભાજપના મંત્રીઓ અને મળતીયાઓ આદિવાસીઓની જમીનો પચાવીને બેઠા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ત્યાંના આદિવાસીઓ પર અસહ્ય જુલ્મો થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા પણ આ બધું જોઈને દુઃખી હશે, તેથી આદિવાસી સમાજની સરદારના વંશજોને અપીલ છે કે તમે આ પાપમાં ભાગીદાર ન બનો. સરદારના વંશજોને વિનંતી કરીને આદિવાસી સમાજે કહ્યું છે કે, આગામી તા.૩૧મી ઓક્ટોબરે અનાવરણ કાર્યક્રમમાં આવશો તો આદિવાસીઓના વિરોધ પ્રદર્શનનો તમારે સામનો કરવો પડશે. જે આદિવાસી સમાજને પણ નહીં ગમે, માટે તમે તા.૩૧મીએ આવતા નહીં. વસાવાના આ પત્ર અને આદિવાસી સમાજના ઉગ્ર વિરોધને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલાં ભારે વિરોધ અને ઉત્તેજનાનું વાતાવરણ પેદા થયું છે. વિપક્ષ કોંગ્રેસ પણ આ વિવાદમાં બળતામાં ઘી હોમવાના પ્રયાસમાં છે.