દાવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, “ભારતનાં મિત્ર અને વર્લ્ડ ઇકોનોનિક ફોરમ (WEF)નાં સ્થાપક પ્રોફેસર ક્લોસ શ્વાબનાં નિમંત્રણથી ડેવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોનિક ફોરમનાં મારા પ્રથમ પ્રવાસ અંગે હું આતુર છું. આ ફોરમનો કેન્દ્રિય વિચાર ‘વિખરાયેલા વિશ્વને એક કરીને સહિયારૂ ભાવિષ્ય બનાવવું’ એ વિચારશીલ અને ઉપયુક્ત વિષય છે.
હાલના અને ઉભરી રહેલા પડકારો સામે સમકાલીન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક શાસન વ્યવસ્થાનાં ઘડતર માટે વિશ્વ ભરનાં નેતાઓ, સરકાર, નીતિ ઘડનારાઓ, વ્યવસાય જગત અને સામાજીક સંસ્થાઓએ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
તાજેતરના વર્ષોમાં ભારતનું વિશ્વ સાથેનું જોડાણ અસરકારક અને બહુવિધ રીતે વધ્યું છે જેમાં રાજકીય, આર્થિક, લોકો સાથેનો સંપર્ક, સુરક્ષા અને અન્ય બાબતોને સમાવી શકાય.
દાવોસ ખાતે હું આંતરરાષ્ટ્રીય સમૂદાય સાથે ભારતના ભવિષ્યની પ્રતિબદ્ધતા વિષે મારો દ્રષ્ટિકોણ રજુ કરવા માટે આતુર છું.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમ ઉપરાંત હું સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ એલેઇન બેરસેટ અને સ્વિડનના પ્રધાનમંત્રી સ્ટિફન લોફવેન સાથે અલગથી દ્વિપક્ષીય મંત્રણા યોજવા માટે પણ ઉત્સુક છું.
મને વિશ્વાસ છે કે આ દ્વિપક્ષીય બેઠક ફળદાયી નીવડશે અને આ બંને દેશો સાથેના ભારતનાં સંબંધોને વેગ મળશે અને વેપારી સંબંધો પણ મજબૂત બનશે.”