ભદોહી : કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે ગોપીગંજમાં આયોજિત ભાજપની વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો વોટબેંકના ચક્કરમાં ગઇકાલ સુધી રામનું નામ લેવાથી ખચકાટ અનુભવ કરતા હતા તે લોકો આજે મંદિર મંદિર જઇને આશીર્વાદ મેળવી રહ્યા છે. પોતાને રામ ભક્ત દર્શાવીને વોટ મેળવી લેવા માટે જનોઈ પણ ધારણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ઉપર પ્રહાર કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, જે લોકો આજ સુધી ગંગાની તરફ જાવા પણ આવ્યા નથી તે લોકો મા ગંગાનો ટેકો મેળવીને વોટ મેળવી રહ્યા છે.
ગોપીગંજમાં ગુલાબઘર ઇન્ટરનેશનલ કોલેજમાં આયોજિત સભામાં કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એક દિવસે શહીદોનું પણ અપમાન કરશે. આજે કોંગ્રેસના લોકો અને મહામિલાવટના લોકોને તેઓ કહેવા માંગે છે કે, દેશનું અપમાન કરે અને દુશ્મમોનો સાથ આપે તેવી રાજનીતિ કરનાર લોકોને યોગ્ય બોધપાઠ ભણાવવાની જરૂર છે. દેશની પ્રજા મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કરી ચુકી છે. સ્મૃતિએ કહ્યું હતું કે, ક્યારે પણ કોઇ ભારતીય એવું વિચાર્યું ન હતું કે, કોંગ્રેસ દેશની સાથે નહીં બલ્કે પાકિસ્તાનની સાથે ઉભા રહીને સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પુરાવા માંગશે.
રાહુલ ગાંધીના ગુરુ રહી ચુકેલા શામ પિત્રોડા કહી રહ્યા છે કે, હિન્દુસ્તાનમાં આ પ્રકારની ઘટનાઓમાં લોકો મરતા રહે છે અને મરતા રહેશે પરંતુ પાકિસ્તાનને દોષિત ગણી શકાય નહીં. કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓની વાત કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, ભદોહી જિલ્લામાં જ ૧.૭૫ લાખ લાભાર્થીઓને રેશનિંગ કાર્ડ બનાવીને ખાદ્યાન્ન ચીજવસ્તુઓની સુવિધા આપવાની તક મળી છે. સાથે સાથે ૩૮ હજાર લોકોને વૃદ્ધાવસ્થા પેન્શનના લાભ મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ હાજર રહ્યા હતા.