મમતાની ગુલાંટ : મોદીના શપથવિધિમાં નહીં પહોંચે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. પહેલા શપથવિધિમાં હાજરી આપવાની વાત કરી રહેલા મમતા બેનર્જીએ મૂડ બદલીને હવે કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો સંકેત આપ્યો છે. ભાજપ પર શપથગ્રહણમાં રાજનીતિ રમવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું છે કે, તેઓ આ કાર્યક્રમમાં હિસ્સો બનશે નહીં. શપથગ્રહણ લોકશાહીની મહત્વપૂર્ણ પરંપરા છે પરંતુ આને રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીએ મોદીને લખવામાં આવેલા પત્રને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રજૂ કર્યો છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ શપથમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જીએ ટ્વિટર પર કહ્યું છે કે, લોકશાહીના ઉત્સવનો જશ્ન મનાવવા માટે શપથગ્રહણ એક પવિત્ર તક હોય છે. આ એવો પ્રસંગ નથી જેમાં બીજી પાર્ટીને મહત્વહિન બનાવવાના પ્રયાસ કરવામાં આવે. વડાપ્રધાનને ખુબ જ કઠોર ભાષામાં લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૪માં પણ તેઓ શપથવિધિમાં જોડાયા ન હતા. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવા વડાપ્રધાન મોદીને તેઓ અભિનંદન આપે છે. બંધારણીય આમંત્રણ ઉપર તેઓ શપથગ્રહણમાં સામેલ થવા ઇચછુક હતા પરંતુ છેલ્લા કેટલાક કલાકથી મિડિયા અહેવાલ તેઓએ જાયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં ૫૪ રાજકીય હત્યાઓ થઇ છે. આ આક્ષેપ સંપૂર્ણપણે ખોટા છે.

બંગાળમાં કોઇ રાજકીય હત્યા થઇ નથી. એવું શક્ય છે કે, આ હત્યા જુના કાવતરા, પારંપરિક લડાઈઓ અથવા તો અન્ય કોઇ કાવતરા માટે થઇ છે. આમા રાજનીતિ રમવાના કોઇ પ્રશ્ન નથી. પ્રશ્નમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેઓ આના માટે તમામ પાસેથી ક્ષમા માંગે છે. શપથગ્રહણથી તેઓ દૂર રહેવા ઇચ્છુક છે. મોદીના શપથગ્રહણમાં બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારોને પણ બોલાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ આ કાર્યકરોના પરિવારજનોને બોલાવવાને લઇને પણ વાંધો ઉઠાવ્યો હતો. ટીએમસી વડાનું કહેવું છે કે, ભાજપ આને રાજકીય પ્રસંગ તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. બંગાળના મુખ્યમંત્રીએ એવો દાવો પણ કર્યો છે કે, બંગાળમાં કોઇ રાજકીય હત્યા થઇ નથી. મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પરિણામના દિવસે જ જીત બાદ બંગાળ અને કેરળમાં માર્યા ગયેલા કાર્યકરોની કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમને યાદ પણ કર્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મમતા બેનર્જીએ એકાએક ગુલાંટ મારતા આની ચર્ચા જાવા મળી રહી છે.

Share This Article