પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કાલકાજી ખાતે ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓના પુનર્વસન માટે ‘ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ (યથાસ્થાને ઝૂંપડપટ્ટી પુનર્વસન પરિયોજના) અંતર્ગત નવા બાંધવામાં આવેલા ૩૦૨૪ EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભૂમિહીન કેમ્પમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મકાનોની ચાવીઓ સોંપી હતી. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના સેંકડો પરિવારો માટે મોટો દિવસ હતો કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા પરિવારોના જીવનમાં આ દિવસ એક નવી શરૂઆત હતી.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે માત્ર કાલકાજી એક્સટેન્શનના પ્રથમ તબક્કામાં જ ૩૦૦૦ કરતાં વધુ ઘરો તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં, આ વિસ્તારમાં રહેતા અન્ય પરિવારોને તેમના નવા ઘરોમાં ગૃહ પ્રવેશ કરવાની તક મળશે. તેમણે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકારના આ પ્રયાસો દિલ્હીને એક આદર્શ શહેર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવશે”. દિલ્હી જેવા મોટા શહેરોમાં જે વિકાસ જોવા મળે છે અને જે સપનાં સાકાર થાય છે તેના પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા વિકાસ અને સપનાંનો પાયો ગરીબોના સખત પરિશ્રમ અને પ્રયાસોથી બનેલો છે. તેમણે કહ્યું હતું કે, “વિડંબણા તો જુઓ કે, આ ગરીબ લોકોને દયનીય સ્થિતિમાં રહેવું પડે છે. જ્યારે એક જ શહેરમાં આટલું મોટું અસંતુલન હોય ત્યારે આપણામાંથી કોણ સર્વાંગી વિકાસ વિશે વિચારી શકે? આઝાદીના અમૃતકાળમાં, આપણે અસમાનતાની આ મોટી ખાઇ દૂર કરવાની છે. તેથી જ સૌના ઉત્કર્ષ માટે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના માર્ગ પર દેશ આગળ વધી રહ્યો છે.
”પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, દેશમાં દાયકાઓથી શાસન પ્રણાલી એવી માનસિકતાથી ઘેરાયેલી હતી કે ગરીબી એ તો ગરીબ લોકોની સમસ્યા છે પરંતુ આજની સરકાર ગરીબોની છે અને તેમને ત્યજી દેવાનું તેના સ્વભાવમાં નથી. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, નીતિ ઘડવામાં અને ર્નિણય લેવાની વ્યવસ્થાઓમાં ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે અને સરકાર શહેરી ગરીબોની સમસ્યાઓને સમાન પ્રમાણમાં મહત્વ આપીને તેના પર કામ કરે છે”. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ૫૦ લાખ એવા લોકો હતા કે જેમની પાસે બેંકમાં ખાતું પણ નહોતું. તેના કારણે તેઓ બેંકિંગ સિસ્ટમના કોઇપણ લાભોથી વંચિત રહેતા હતા. તેમણે કહ્યું કે, “તેઓ દિલ્હીમાં હતા પરંતુ દિલ્હી તેમનાથી ખૂબ દૂર હતું”. સરકાર દ્વારા આ પરિસ્થિતિ બદલવામાં આવી હતી અને તેમના ખાતા ખોલાવીને નાણાકીય સમાવેશ માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેના કારણે રસ્તા પરના ફેરિયાઓ સહિત દિલ્હીના ગરીબ લોકો સુધી સીધો ફાયદો પહોંચ્યો છે. તેમણે UPI ના સર્વવ્યાપક પગપેસારા અંગે પણ ટિપ્પણી કરી હતી. સ્વનિધિ યોજના હેઠળ ૫૦ હજારથી વધુ રસ્તા પરના ફેરિયાઓને નાણાકીય સહાય પ્રાપ્ત થઇ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે ‘એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ’ દ્વારા દિલ્હીમાં ગરીબો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.” આ પગલું મહામારી દરમિયાન ગરીબ વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. પાત્રતા ધરાવતા લાખો નિઃસહાય લોકો છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર તરફથી મફત રાશન મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર દિલ્હીમાં જ આની પાછળ રૂપિયા ૨.૫ હજાર કરોડ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા માહિતી આપી હતી કે, દિલ્હીમાં ૪૦ લાખથી વધુ ગરીબ લોકોને વીમા સુરક્ષા મળી છે. જન ઔષધિ યોજનાઓ દ્વારા મેડિકલ સંબંધિત ખર્ચમાં ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે જીવનમાં આ સુરક્ષા હોય છે, ત્યારે ગરીબો આરામ કર્યા વિના તેમની બધી તાકાત લગાવીને તનતોડ પરિશ્રમ કરે છે. તેઓ પોતાને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ કરે છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ બધુ ખૂબ ધામધૂમથી અને વિશાળ જાહેરાતો સાથે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આવું કરવા પાછળનું કારણ એ છે કે, “અમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જીવીએ છીએ”. દિલ્હીમાં અનધિકૃત કોલોનીઓ મુદ્દે બોલતા પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે, લોકોને તેમના ઘરોની સ્થિતિ વિશે સતત ચિંતા થતી હોય છે. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે દિલ્હીના લોકોની આ ચિંતા ઘટાડવાનું કામ પણ કર્યું છે.
PM-UDAY યોજના દ્વારા દિલ્હીની અનધિકૃત કોલોનીઓમાં બનેલા ઘરોને નિયમિત કરવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે”. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના પોતાના ઘર બનાવવા માટે વ્યાજ સબસિડી આપવા માટે ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર દિલ્હીમાં નાગરિકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઇ જ કસર છોડી રહી નથી. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દિલ્હીને દેશની રાજધાની તરીકેની તેની સ્થિતિ અનુસાર તમામ સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ભવ્ય શહેરમાં પરિવર્તિત કરવાનો છે.” લાલ કિલ્લાના કિલ્લા પરથી ‘મહત્વાકાંક્ષી સમાજ’ વિશે કરેલી પોતાની વાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હીનો ગરીબ અને મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી છે.
દિલ્હી NCR ક્ષેત્રમાં થયેલા વિકાસના કાર્યો પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ૨૦૧૪ પછી મેટ્રોના રૂટ્સના ૧૯૦ કિમીથી વધારીને ૪૦૦ કિમી સુધીના વિસ્તરણ વિશે માહિતી આપી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષમાં, આના નેટવર્કમાં ૧૩૫ નવા મેટ્રો સ્ટેશન ઉમેરવામાં આવ્યા છે જેના કારણે લોકોના સમય અને પૈસાની બચત થઇ છે.