ભારત-રશિયા વચ્ચે ૫૦થી વધુ સમજૂતિ થઇ છે : મોદી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવીદિલ્હી : રશિયા યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારના દિવસે ઇસ્ટર્ન ઇકોનોમીક ફોરમમાં ભારત અને રશિયાને મહત્વપૂર્ણ સાથી દેશ તરીકે ગણાવતા કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ૫૦થી વધુ સમજૂતિ થઇ ચુકી છે. મોદીએ રશિયાની સાથે ભારતના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બંને દેશ પારસ્પર સહકારના માધ્યમથી એશિયા પેસિફિક ક્ષેત્રમાં વિકાસના નવા માપદંડ સર્જવા માટે તૈયાર છે. મોદીએ આ ગાળા દરમિયાન રશિયન પ્રમુખની સાથે પોતાની કેમેસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રવાસના ગાળા દરમિયાન રાત્રે એક વાગ્યા સુધી બંને વચ્ચે વાતચીત થતી રહી હતી. દસ્વિદાનિયા અને ગુજરાતીના આવજા મારફતે મોદીએ રશિયા અને ભારતની સંયુક્ત સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ સંયુક્ત વિરાસતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઇઇએફમાં સામેલ થવા માટે પુતિને લોકસભા ચૂંટણીથી પહેલા પણ વાત કરી હતી. ભારતની ૧૨૦ કરોડ પ્રજાએ જે વિશ્વાસ તેમના પર દર્શાવ્યો છે તે જ વિશ્વાસ તેમના મિત્ર પુતિને પણ દર્શાવ્યો હતો. તેઓ તેમનો આભાર માને છે. અમે ભવિષ્યમાં પણ આને સાથે લઇને આગળ વધવા ઇચ્છુક છીએ. મોદીએ કહ્યું હતું કે, ફાર ઇસ્ટ વિઝનની સફળતા ખુબ મહત્વપૂર્ણ છે. વ્લાદિવસ્તોક યુરેશિયા અને પેસિફિકના સંગમ તરીકે છે.

આ આર્કટિક અને નોર્દન સી રુટ માટે નવા અવસર તરીકે છે. રશિયાના આશરે ત્રણ ચતુર્થાંશ લોકો એશિયન છે. ભારત અને રશિયા આ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે. વૈશ્વિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા માટે બંને દેશો તૈયાર છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે,  જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે ખુલ્લા દિલથી વાત કરવામાં આવે છે. પુતિને તમામ વ્યક્ત કાર્યક્રમ હોવા છતાં તેમની સાથે કલાકો ગાળ્યા છે. રાત્રે એક વાગ્યા સુધી તેમની વચ્ચે વાતચીત થઇ હતી.

તેમના માટે જે પ્રેમ છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મોદીએ કહ્યું હતું કે, ફાર ઇસ્ટમાં વિઝન ભારત માટે અવસર તરીકે છે. પુતિનના વિઝનની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે, પુતિનના વિઝનને લઇને રશિયા આજે શક્તિશાળી દેશ તરીકે ઉભરી ચુક્યું છે. મોદીએ રશિયન પ્રમુખ સાથે ગઇકાલે પણ શિખર વાતચીત કરી હતી. અને જુદા જુદા પ્રતિનિધિઓની વાતચીત થઇ હતી.

બંને દેશો વચ્ચે બુધવારે અનેક ક્ષેત્રોમાં સમજૂતિ થઇ હતી જેમાં સંરક્ષણ, દરિયાઈ, ટેકનોલોજી, અંતરિક્ષ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશો હવે અંતરિક્ષના ક્ષેત્રમાં સાથે કામ કરી રહ્યા છે. દરિયાઈ ક્ષેત્રમાં પણ સહકાર કરવામાં આવી રહ્યો છે. દરિયાઈ ક્ષેત્રે પણ વિકાસ કરવા માટે બંને દેશો કટિબદ્ધ છે. ભારતના મિશન ગગનયાન માટે વૈજ્ઞાનિક રશિયાના અંતરિક્ષ વૈજ્ઞાનિકો પાસેથી ટ્રેનિંગ લેશે. પ્રાકૃતિક સંશાધનોની સાથે ભારતીય મૂલ્યોનો ઉલ્લેખ પણ મોદીએ કર્યો હતો.

Share This Article