લખનૌ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ આજે એકબાજુ પોતાની તમામ વિકાસ યોજનાઓ અંગે માહિતી આપી હતી. સાથે સાથે વિપક્ષ ઉપર જારદાર રીતે શબ્દબાણ પણ ચલાવ્યા હતા.
નામ લીધા વગર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ ચોકીદાર નહીં ભાગીદાર છે. પરંતુ આ પ્રકારના આક્ષેપો તેમના માટે ઈનામ તરીકે છે, કારણ કે તેઓ આ દેશના વિકાસમાં ભાગીદાર છે.
મોદીએ સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરીને તમામ યોજનાઓની પ્રગતિને દર્શાવતી પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે જુદી જુદી યોજનાઓના માધ્યમથી શહેરી વિકાસ માટે થયેલા કામો ખૂબ મહત્વપૂર્ણ છે. મોદીએ આવાસ યોજનાઓને લઈને પૂર્વની યુપીએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ બંગલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કેટલાક પૂર્વ મુખ્યમંત્રી હજુ પણ કબજા જમાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ યોજનાને આગળ વધારવા માટે મોદીએ યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. આ પહેલા સરકારને અમે વારંવાર પત્રો લખતા હતા. આગ્રહ કરતા હતા કે કામને આગળ વધારે પરંતુ તેમનું કામ માત્ર પોતાના બંગલાને સજાવવા માટેનું રહેતું હતું.
મોદીએ સંસદમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે હાલના દિવસોમાં તેમના પર આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ ચોકીદાર નહીં ભાગીદાર છે પરંતુ આના માટે તેઓ આને ઈનામ તરીકે ગણે છે. મહેનત કરનાર લોકો અને અન્યોના તેઓ ભાગીદાર તરીકે ચોક્કસપણે છે. સીયાચીનના જવાનો અને દેશના ખેડૂતોના ભાગીદાર તરીકે છે.
મોદીએ બેટી પઢાઓ, બેટી બઢાઓના સંબંધમાં બાળકીઓની વાત કરી હતી. આ ઉપરાંત શહેરી વિકાસ, સ્વચ્છતા મિશન, વડાપ્રધાન આવાસ યોજના હેઠળની વાત કરી હતી. ઉત્તરપ્રદેશમાંથી પોતાને સાંસદ તરીકે ગણાવીને કહ્યું હતું કે તેઓ અહીંના જ સાંસદ તરીકે છે. વાજપેયીને યાદ કરતા કહ્યું હતું કે વાજપેયીએ જે કામ હાથ ધર્યું હતું તેને અમે આગળ વધારી રહ્યા છીએ. લખનૌને દેશના શહેરી જીવન સુધારની પ્રયોગશાળા તરીકે વાજપેયીએ બનાવી દીધી હતી. વાજપેયીએ સાંસદ તરીકે જે વિઝન આપ્યું હતું તેના પરિણામ મળી રહ્યા છે.
મોદીએ મહિલાઓના યોદગાનની વાત કરતા કહ્યું હતું કે શહેરી વિકાસ યોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ સાત હજાર કરોડથી વધુના કામ થયા છે. બાવન હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગરીબોને વધુ સારી નાગરિક સુવિધા આપવામાં આવશે. મોદીએ ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકો અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકોને આવાસ આપવાની યોજના ચાલી રહી છે.
મોદીએ આ પ્રસંગે પાંચ ઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં કહ્યું હતું. જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એજ્યુકેશન, એમ્પલોઈમેન્ટ, ઈકોનોમી અને એન્ટરટેઈનમેન્ટની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ, રાજ્યપાલ નામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મંત્રી કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.