ઇમ્ફાલ : મણિપુરના ઇમ્ફાલમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ આજે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, અગાઉની સરકારોએ પૂર્વોત્તરના રાજ્યોને દિલ્હીથી દૂર રાખ્યા હતા. અગાઉની સરકારોના અટવાયેલા, ફસાયેલા અને ભટકી પડેલા પ્રોજેક્ટોને અમે પૂર્ણ કરી રહ્યા છીએ. મણિપુરના હપ્તા કાગજીબંધમાં મોદીએ ૮ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન તેઓએ ચાર યોજનાઓની શિલાન્યાસની વિધિ પણ કરી હતી. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે જે મણિપુરને, જે નોર્થ-ઇસ્ટને નેતાજીએ ભારતની સ્વતંત્રતાના ગેટવે તરીકે ગણાવ્યા હતા તેને હવે ન્યુ ઇન્ડિયાના વિકાસ ગાથાના દ્વાર તરીકે બનાવવા અમે પ્રયાસ કરી રહ્યા છે. અગાઉની અને અમારા આ પ્રકારના અંતરની સ્થિતિ રહેલી છે.
મોદીએ કહ્યું હતું કે, સાડા ચાર વર્ષના ગાળામાં તેઓ પોતે ૩૦ વખત નોર્થઇસ્ટ આવી ચુક્યા છે અને લોકોને મળવાની તક ઝડપે છે. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવાની જરૂર પડતી નથી. સીધીરીતે લોકો પાસેથી રિપોર્ટ મળી જાય છે. મોદીએ કહ્યું હતું કે, ડોલાઈથાબી બરાજ ૧૯૮૭થી ફાઇલ ચાલી રહી હતી. ૧૯૯૨માં ૧૯ કરોડના ખર્ચ સાથે પ્રોજેક્ટની શરૂઆત થઇ હતી. આ મામલો ત્યારબાદ અટવાઈ પડ્યો હતો. ૨૦૦૪માં આને સ્પેશિયલ ઇકોનોમિક પેકેજનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ૧૦ વર્ષ સુધી ફરી અટવાઈ પડ્યો હતો.
૨૦૧૪માં જ્યારે અમે આવ્યા ત્યારે ૧૦૦ એવા પ્રોજેક્ટો હતા જે અટવાયેલા હતા તેમને અમે હાથ ધર્યા છે. મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ સૌથી મોટા પડકાર એ હતા કે, દશકોથી અટવાયેલા પ્રોજેક્ટોને કઇ રીતે આગળ વધારી શકાય. આ પડકાર ઉપાડીને અટવાયેલા પ્રોજેક્ટોને હાથ ધર્યા હતા. પહેલા કોઇ જગ્યાએ પથ્થર લગાવીને બે ચૂંટણી જીતી જવાતી હતી. મોદીએ કહ્યું હતું કે, ૧૦૦ કરોડના પ્રોજેક્ટો ૨૦૦ કરોડમાં પૂર્ણ થઇ રહ્યા છે.