ચોકીદારની પાછળ હવે ભયભીત ચોર ટોળકી પડી છે : મોદીનો દાવો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભુવનેશ્વર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચુંટણીને લઈને આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના ભાગરૂપે રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. આજે મોદીએ બે રાજ્યોમાં રેલી યોજી હતી. જે પૈકી એક ઝારખંડમાં અને બીજી ઓરિસ્સામાં રેલી કરી હતી. ઓરિસ્સા પહોંચેલા મોદીએ રાજ્યના બારીપદામાં રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસની સાથે સાથે નવિન પટનાયક સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે યુપીએ સરકારના ગાળા દરમિયાન પીએમઓની ફાઈલો પણ વચેટીયાઓ સુધી પહોંચી જતી હતી. વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં વચેટીયા ક્રિશ્ચેન મિશેલના બહાને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે તેમનો આ વાત સમજાતી નથી કે સરકાર કોંગ્રેસે ચલાવી હતી કે પછી મિશેનલ મામા દ્વારા ચલાવવામાં આવી હતી. મિશેલ મામાના દરબારે સરકાર ચલાવી હોવાનું લાગે છે.

અમારી સરકાર દેશની સેનાઓને કાવતરામાંથી બહાર કાઢી રહી છે. જેથી કોંગ્રેસને પીડા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે આજ કારણસર ચોરોની ટોળકી ચોકીદારને રસ્તા પરથી દુર કરવા માંગે છે. કોંગ્રેસ ઉપર પોતાની સરકારના ગાળા દરમિયાન સેનાને નબળી કરવાનો આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ૨૦૦૪થી લઈને ૨૦૧૪ સુધી કઈ રીતે દેશની સેનાને નબળી કરવાના પ્રયાસ થઈ રહ્યા હતા. દેશના લોકો જાઈ રહ્યા છે. દરેક લોકો ઝીણવટભરી નજરથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમારી સરકાર સેનાને મુશ્કેલમાંથી બહાર કાઢી રહી છે. જેથી વિરોધ પક્ષોની તકલીફ વધી રહી છે. ચોરોની ટોળકી સાથે મળીને ચોકીદારને દુર કરવા માંગે છે. ક્રિશ્ચન મિશેલને કોંગ્રેસના સાથીદાર તરીકે ગણાવીને મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને આ વાસ્તવિકતા નડી રહી છે. કારણ કે તેમના રાજ દરરોજ ખુલી રહ્યા છે.

ગઈકાલે જ અહેવાલ આવ્યો હતો કે હેલિકોપ્ટર કૌભાંડના વચેટીયા અને કોંગ્રેસના કૌભાંડમાં રાજદાર મિશેલના પત્રથી ખુલાસો થયો છે. તેમના કોંગ્રેસના ટોપના નેતાઓ સાથે સંબંધ છે. તેમની સાથે ઉઠક બેઠક હતી. પીએમઓમાં કઈ ફાઈલ ક્યાં પહોંચી રહી છે તેને દરેક પ્રકારની માહિતી હતી. જેટલી માહિતી વડાપ્રધાન પાસે ન હતી. વચેટીયાઓને ખૂબ વધારે પડતી માહિતી હતી. મોદીએ કહ્યું હતું કે કેબિનેટ કમિટી અંગેના સમાચાર પણ વચેટીયાઓ પાસે પહોંચી ગયા હતા. જેથી તે આ પ્રકારની માહિતીને જુદા જુદા દેશો સુધી પહોંચાડતો હતો. ક્યારે કયો નિર્ણય લેવાશે તેની માહિતી તે વિદેશમાં મોકલી રહ્યો હતો. તેમને સમજાતુ નથી કે સરકાર અગાઉ કોંગ્રેસે ચલાવી હતી કે મિશેલ મામાના દરબારે ચલાવી હતી. વડાપ્રધાને ચેતવણી આપતા કહ્યું હતું કે વચેટીયાઓના હિતોના સુરક્ષામાં જે જેની ભૂમિકા રહી છે તેમનો હિસાબ તપાસ સંસ્થાઓ કરશે. દેશની જનતા કરશે. કેન્દ્રની સરકાર દેશની સુરક્ષા માટે નિયમિત ગાળામાં મોટા નિર્ણય લઈ રહી છે. કાયદાની દ્રષ્ટીએ કોઈને છોડાશે નહીં.

Share This Article