મોદી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત પહોંચે તેવી સંભાવના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઇએ)ની બેઠકમાં હાજરી આપશે. ઉપરાંત તા.૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મજયંતી અને સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવશે. તા.૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ સાથે યોજાનારી મીટિંગમાં પણ હાજરી આપવાના છે. અત્યાર સુધી એમઇએની ૯ બેઠક યોજાઈ છે અને બધી જ દિલ્હી ખાતે જ યોજાઈ છે.

જો કે, ભારતના ઈતિહાસમાં પહેલી વાર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઇએ) તેમની વાર્ષિક બેઠક દિલ્હી બહાર યોજશે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ કોન્ફરન્સ યોજાવાની છે. આ કોન્ફરન્સમાં ભારતના એમ્બેસેડર્સ, ડિપ્લોમેટ્‌સ અને આખી દુનિયાના હાઈ કમિશનર્સ ભેગા થશે. આ કોન્ફરન્સ આ વખતે ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યભાગમાં યોજાવાની છે. બે દિવસ માટે યોજાનારી આ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને અન્ય ટોચના મહાનુભાવો હાજર રહેશે. તેમાં ભારતના અર્થતંત્રમાં સુધારા અને વિવિધ વિષયો પર ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે જેમને કોંગ્રેસે આટલા વર્ષ અવગણ્યા હતા. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે આ પ્રતિમા બનાવવાનું સપનુ જોયું હતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજ ૧૦ હજારથી વધુ સહેલાણીઓ મજા માણવા આવતા હોયછે. હવે એમઇએની મિટીંગ હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન બની શકે છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ(એમઇએ)ની બેઠકને લઇને પણ રાજય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Share This Article