નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. શપથગ્રહણ કાર્યક્રમમાં બિમસ્ટેક દેશોના રાષ્ટ્ર વડાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિમસ્ટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત દેશો સામેલ છે જે બંગાળની ખાડી સાથે જાડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. ભારતે કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશિયસના વડાપ્રધાનને પણ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.
આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન ચીફ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ૨૦૧૪માં પોતાની પ્રથમ અવધિ દરમિયાન જ્યારે વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે મોદીએ સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પડોશી પ્રથમની નીતિ હેઠળ આ તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે પાકિસ્તાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
એમ માનવામાં આવે છે કે, પુલવામામાં સીઆરપીએફ કેમ્પ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરુપે સરકારે પાકિસ્તાનથી અંતર રાખવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં મોટી જીત બદલ ફોન કરીને અભિનંદન આપ્યા હતા. આ ગાળા દરમિયાન મોદીએ ઇમરાન ખાનને એક પ્રકારે સલાહ આપતા કહ્યું હતું કે, પડોશનો માહોલ આતંકવાદ મુક્ત રહે તે જરૂરી છે. બંને દેશોને પારસ્પરિક વિવાદના બદલે ગરીબી સામે લડવાનો સમય છે. મોદી ૩૦મી મેના દિવસે સાંજે સાત વાગે વડાપ્રધાન તરીકેના શપથ લેશે.