નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતિ મેળવી લીધી છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે ૨૯૧ સીટ પર નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. બીજી બાજુ એનડીએ દ્વારા કુલ ૫૪૨ પૈકી ૩૪૭ સીટની આસપાસ પર લીડ મેળવી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪માં કરતા પણ વધારે સફળતા હાંસલ કરવા તરફ કુચ કરી લીધી છે. મોદીની સુનામી વચ્ચે તમામ રાજકીય પક્ષો અને ગઠબંધનના સુપડા સાફ થઇ ગયા છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ૫૪૩ સીટ પૈકી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૩૪૭ સીટ પર લીડ મેળવી લીધી છે. આવી જ રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનને ૮૮ સીટ મેળવી લેવા તરફ કુચ કરી હતી. કોંગ્રેસ પાર્ટીની સ્થિતી વધારે સારી રહી નથી.
કારણ કે કોંગ્રેસને પહેલા એટલે ૨૦૧૪માં ૪૪ સીટ મેળવી હતી. જેની સામે હવે તેને વધારે સીટ મળી રહી નથી. મોદી અને અમિત શાહની જાડીએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી દીધી છે. એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવ્યા બાદ ઇવીએમને લઇને હોબાળો શરૂ થયો હતો. આ સંદર્ભમાં હાલમાં તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના ૨૨ વિરોધ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળવા માટે પહોંચ્યા હતા. વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી હતી કે, ૨૩મી મેના દિવસે મતગણતરી શરૂ થતાં પહેલા કોઇપણ ક્રમમાં ચૂંટાયેલા પોલિંગ સ્ટેશનોની વીવીપેટ સ્લીપમાં તપાસ કરવી જાઇએ. વિપક્ષી દળોએ એવી માંગ પણ કરી હતી કે જા કોઇ એક બૂથ ઉપર વીવીપેટ સ્લીપ મેચ થતાં નથી તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપેટની અરજીની ગણતરી કરવી જાઇએ. સાથે સાથે તેના ઇવીએમ રિઝલ્ટ સાથે મુલ્યાંકન કરવાની જરૂર વ્યક્ત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ઉપયોગ કરવામાં આવેલા વોટિંગ મશીનની હેરાફેરીના આક્ષેપોને પણ રદિયો આપ્યો હતો.
તમામ આક્ષેપો અને ફરિયાદોને ફગાવી દઇને ચૂંટણી પંચે કહ્યું છે કે, તેઓ સ્પષ્ટતા કરી દેવા માંગે છે કે, આ પ્રકારના આક્ષેપ અને અહેવાલ આધારવગરના છે. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યુ હતુ કે એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડવાની વાત પોલમાં કરવામાં આવી હતી.એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જારદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો આપવામાં આવ્યા બાદ આને લઇને પણ યુપીએના પક્ષો જુદા વલણ સાથે મેદાનમાં આવ્યા હતા.
સી વોટરે પણ એનડીએને બહુમતિ આપી હતી. આમા જણાવવામં આવ્યું હતુ કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. યુપીએને ૧૨૮ સીટો મળી શકે છે. જનકી બાતમાં પણ કહેવામાં આવ્યું છે કે, એનડીએને ૩૦૫, યુપીએને ૧૨૪ સીટો મળી શકે છે. ઇન્ડિયા ટુડે-માયએક્સિસ તેમજ એબીપી-નેલ્સનમાં પણ એનડીએને સૌથી વધારે સીટો મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૩.૩ ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે તેની હિસ્સેદારી વધી રહી છે. ટાઈમ્સનાઉના પોલ મુજબ ઉત્તરપ્રદેશમાં લોકસભામાં ભાજપને ૫૦થી ૫૬ સીટો મળી શકે છે.