અમરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આજે સતત બીજા દિવસે આક્રમક પ્રચાર જારી રાખ્યો હતો. પ્રથમ દિવસે ત્રણ સભા કર્યા બાદ આજે અમરેલીમાં સભા યોજી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ પાર્ટી પર તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે તેમની સરકારની મોટી સિદ્ધીઓ અને સાહસી નિર્ણયોની ફરી વાત કરી હતી. મોદીએ દાવા સાથે કહ્યુ હતુ કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દેશના કોઇ ખુણે બોમ્બ ધડાકા થયા નથી. ત્રાસવાદીઓને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો સુધી હવે મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. કોઇ નિર્દોેષ વ્યક્તિનુ મોત થયુ નથી. મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદી પહેલા કોઇને કોઇ જગ્યાઅ હુમલા કરતા રહેતા હતા.
ઉરી અને પુલવામાં હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય જવાનોએ સાહસી કાર્યવાહી કરી હતી. ઘરમાં ઘુસીને પાકિસ્તાનનો ખેલ પાડવામાં આવ્યો હતો. મોદીએ દાવા સાથે કહ્યુ હતુ કે આ મર્દ સરકાર છે. આફસ્પા જવાનોને સુરક્ષા પુરી પાડે છે. કોંગ્રેસ જવાનો પાસેથી આ કવચને આંચકી લેવા માટે ઇચ્છુક છે. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના ઢંઢેરાથી તેમને વધારે આઘાત લાગ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે સરદાર પટેલની પ્રતિમાને જોવા માટે દરરોજ ૧૦-૧૨ હજાર લોકો પહોંચી રહ્યા છે. વિશ્વનુ સૌથી ઉંચુ સ્ટેચ્યુ બનાવ્યુ છે. કોંગ્રેસ પાર્ટીએ તેના પર પણ રાજનીતિ રમી છે. કોંગ્રેસ પાર્ટી રાજદ્રોહને ખતમ કરવા માટે પ્રયાસ કરી રહીછે. અમરેલીમાં મોદીએ તેમની સરકારની સિદ્ધીઓની વાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે મિશન ગુજરાત સાથે જારદાર પ્રચારની શરૂઆત કરી હતી.
ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી. તમામ જગ્યાઓએ મોદીએ આક્રમક અંદાજમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એકબાજુ હિંમતનગર ખાતેના સંબોધનમાં દાવા સાથે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ભ્રષ્ટ લોકોને જેલના દરવાજા સુધી લઇ ગયા છે. હવે બીજા પાંચ વર્ષ મળશે તો ભ્રષ્ટાચારી લોકોને જેલ ભેગા કરવામાં આવશે. જે લોકોએ પણ દેશને લુટ્યો છે તેમને છોડવામાં આવશે નહીં. લૂંટનાર લોકોને તમામ રકમ દેશને પરત આપવી પડશે.
ચૂંટણીમાં દેશના લોકોને નક્કી કરવાનું છે કે, ટુકડે ટુકડે ગેંગ શાસન કરશે કે પછી મજબૂત ભારતનું નિર્માણ કરનાર લોકો શાસન કરશે. એકભારત શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે સમર્પિત લોકો દેશનું સુકાન સંભાળશે કે પછી અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર લોકો સત્તા સંભાળશે. ગુજરાતી વડાપ્રધાન માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગુજરાત કઈ રીતે સહન કરી શકે છે. ગુજરાતના આણંદમાં પોતાની સભામાં મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરમાં કોંગ્રેસના એક સાથી પક્ષનું કહેવું છે કે જો પાકિસ્તાનને કોઇ હેરાન કરશે તો તે ભારતને વધારે પરેશાન કરશે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના લોકોની સાથે છે.