નવીદિલ્હી : દેશના ૫૦૦ સ્થળો ઉપર મેં ભી ચોકીદાર ઝુંબેશ હેઠળ લોકોને સંબોધતા મોદીએ ફરી એકવાર સત્તામાં આવ્યા બાદ પોતાની સરકારની યોજના અંગે વાત કરી હતી. સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઇ રહેલી અરુણાચલ પ્રદેશની એક વિદ્યાર્થીનીએ પ્રશ્ન કર્યો હતો કે, આખરે અમે આપને મત કેમ આપીએ, આપને આગામી પાંચ વર્ષમાં સરકાર શું કરશે તે અંગે માહિતી આપવી જાઇએ. આના ઉપર મોદીએ જવાબ આપતા કહ્યું હતું કે, હજુ સુધી અમે દેશની વ્યવસ્થામાં ખાડા પુરવાનું કામ કરી રહ્યા હતા. આગળ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટેનું કામ કરીશું.
મુખ્યરીતે ખેડૂતોની આવકને બે ગણી કરવાની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, અમે ૨૦૨૨ સુધી આ લક્ષ્યને હાંસલ કરી લઇશું. મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪થી લઇને ૨૦૧૯ સુધી કેટલાક લોકોને જેલના બારણા સુધી લઇ આવ્યા છીએ. આવનાર સમયમાં દેશને લુંટી લેનાર લોકો પ્રત્યે વધુ કઠોર વલણ અપનાવવામાં આવશે. દેશને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં આવશે. સાથે સાથે ભારતના એજ્યુકેશન સિસ્ટમને ગ્લોબલ બેંચમાર્ક સુધી લઇ જવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષ ખાડા પુરવામાં લાગ્યા હતા. આગામી પાંચ વર્ષ સુધી દેશને ગતિ આપવામાં આવશે. મોદીએ પોતાના ટાર્ગેટ ગણાવતાની સાથે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા.
મોદીએ એક સંત અને શિષ્યની વાર્તા કરતા કહ્યું હતું કે, તેમના ટેપ રેકોર્ડના બદલે ટ્રેક રેકોર્ડને જાવાની જરૂર છે. નહેરુ ગાંધી પરિવાર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, તેમની ચાર પેઢીએ શાસન કર્યું છે છતાં દેશમાં ગરીબી વધતી ગઈ હતી. દેશના પ્રથમ વડાપ્રધાને ગરીબી દૂર કરવાની વાત કરી હતી અને ગરીબી વધારતા ગયા હતા. ત્યારબાદ તેમની પુત્રીએ ગરીબી ગરીબી દૂર કરવાનો નારો આપીને ગરીબી વધારી હતી. ત્યારબાદ પુત્રીના પુત્રએ આવું જ કર્યું હતું. ત્યારબાદ એ પુત્રની પત્નિએ રિમોટ સરકાર ચલાવીને ગરીબી વધારી હતી. હવે શહેઝાદા આવ્યા છે જે ગરીબીને દૂર કરવાની વાત કરે છે. અમને આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.