બાંસવાડા : રાજસ્થાનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં મોદી આજે વ્યસ્ત રહ્યા હતા. પહેલા ભીલવાડામાં અને ત્યારબાદ બાંસવાડામાં ચૂંટણી સભાને મોદીએ સંબોધી હતી. ભીલવાડા બાદ બાંસવાડામાં પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર મોદીએ પ્રહાર કર્યા હતા. રાહુલ ઉપર ટિપ્પણી કરતા મોદીએ કહ્યું હતું કે, આ નામદારને એનસીસી શું છે તે અંગે પણ માહિતી નથી. ઘોષણાપત્ર શું હોય છે તે અંગે પણ માહિતી આ નામદારને હશે નહીં. કૈલાશ માનસરોવર જઇને આવી ગયા છે પરંતુ આ નામદારને તે અંગે પણ માહિતી હશે નહીં કે કૈલાશ માનસરોવર હોય છે શું. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસની જે પ્રતિષ્ઠા ખરડાઈ છે તે ખુબ જ ખરાબરીતે ખરડાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ જે પ્રકારે પોતાની વિશ્વસનીયતા અગાઉ ટકાવી હતી તે હવે રહી નથી. કોંગ્રેસના લોકો અહીં આવીને કહે છે કે, મોબાઇલ ફોન મેઇડ ઇન ડુંગરપુર. કોંગ્રેસના નામદારે મોબાઇલ ફોન મેઇડ ઇન ડુંગરપુરની વાત કરી હતી. કોંગ્રેસ સરકાર બનશે તો મેઇડ ઇન ડુંગરપુર બનશે તેવી કોઇ બાબતનો ઉલ્લેખ નથી.
બાંસવાડામાં મોદીએ એમપણ કહ્યું હતું કે, જેમના નામદાર જેવા નેતાને રાજસ્થાનની કોંગ્રેસ પાર્ટી ગંભીરતાથી લેતી નથી તેને અહીંના લોકો કઈરીતે ગંભીરતાથી લઇ શકે છે. રાહુલ ગાંધીએ આ પ્રકારની વાત કરી હતી પરંતુ તેમના ઘોષણાપત્રમાં તેમની બાબતોનો કોઇ ઉલ્લેખ કરાયો ન હતો. અમારી પ્રતિષ્ઠા કોંગ્રેસ પાર્ટી જેવી રહી નથી.