નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદ ભવનમાં વાતચીત કરી હતી અને તેમને દિલ્હીના મોહલ્લા ક્લિનિક તથા સ્કુલોમાં પ્રવાસ કરવા માટે અપીલ કરી હતી. બે દિવસ પહેલા જ વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ઉપસ્થિત નહીં થયેલા કેજરીવાલે આજે કેન્દ્ર સરકારને પોતાની સરકાર તરફથી પૂર્ણ સહકાર આપવા ખાતરી આપી હતી.
કેન્દ્રમાં ભાજપની નવી એનડીએ સરકારની બીજી અવધિ શરૂ થયા બાદ કેજરીવાલની મોદી સાથે આ પ્રથમ બેઠક હતી. કેજરીવાલના કહેવા મુજબ બેઠક દરમિયાન તેઓએ વડાપ્રધાનને એક મોહલ્લા ક્લિનિક તથા એએપી સરકાર દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા સરકારી સ્કુલની મુલાકાત લેવા અપીલ કરી હતી.
મુલાકાત બાદ કેજરીવાલે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતુંકે, લોકસભા ચૂંટણીમાં મળેલી જીત માટે તેઓએ મોદીને શુભેચ્છા પણ પાઠવી છે. દિલ્હી દેશના પાટનગર તરીકે છે જેથી દિલ્હી અને કેન્દ્ર સરકાર પાટનગરના વિકાસ માટે સાથે મળીને કામ કરે તે જરૂરી છે.