નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બૂથ વર્કરો સાથે ઓનલાઈન સંવાદ દરમિયાન રાજ્યની કોંગ્રેસ અને જેડીએસ સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટક સરકારની કૃષિ માફી યોજના ખેડૂતો સાથે કરવામાં આવેલા ક્રૂર મજાક તરકે છે. હાલમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ કહી ચુક્યા છે કે, હજુ સુધી લોન માફીનો ફાયદો ખુબ ઓછા ખેડૂતો સુધી પહોંચ્યો છે. સરકારના કહેવા મુજબ ૪૪૦૦૦ કરોડ રૂપિયાની પાક લોન માફીનો થોડોક હિસ્સો જ ખેડૂતોને મળ્યો છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જે લોકો સત્તામાં બેઠા છે તે લોકોને કલ્યાણમાં ઓછો રસ છે. આવી સ્થિતિમાં અમારા કાર્યકરોની ફરજ છે કે તેઓ લોકોનો અવાજ બને. મોદીએ બેલગાવી, બિદર, દાવનગરે, ધારવાડ અને હાવેરીના ભાજપ બૂથ વર્કરો સાથે સીધીરીતે વિડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, લોકોએ ભાજપના વલણ ઉપર વિશ્વાસ કર્યો છે. ગરીબ લોકો દેખરેખ થાય તેમ ઇચ્છે છે પરંતુ સત્તામાં બેઠેલા લોકો માત્ર કેબિનેટ બેઠકોમાં વ્યસ્ત રહે છે.
ભાજપના મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ મોદીએ પાર્ટી કાર્યકરોના પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. તેમ કહ્યું હતું કે, કર્ણાટકના લોકો ભ્રષ્ટાચારમુક્ત વિકાસ ઇચ્છે છે પરંતુ સત્તામાં આવેલા લોકોનો રસ માત્ર વિકાસમુક્ત ભ્રષ્ટાચારમાં છે. કર્ણાટકમાં સામાન્ય લોકો ઇચ્છે છે કે, તેમનું ધ્યાન વંશવાદ ઉપર કેન્દ્રિત થવાના બદલે તેમના ઉપર કેન્દ્રિત થાય પરંતુ અહીંની સરકાર વંશવાદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમની પાર્ટી લોકોના અવાજ બની શકે છે. મોદીએ કહ્યું હતું કે, જે લોકો સ્વૈચ્છિકરીતે આવે છે તેમનું ખુલ્લા મનથી સ્વાગત કરવામાં આવે છે.
સારા ઇરાદા સાથે આવનાર માટે કોઇ આઈડી કાર્ડની જરૂર નથી. ભાજપ કોઇ પરિવાર દ્વારા નિયંત્રિત નથી. વિકાસ માટે સમર્પિત છે. ભાજપ વર્કરો સાથે સંવાદના કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકો વિચારે છે કે, તેઓએ કઈરીતે સરકાર બનાવી લીધી છે. તેમની પાર્ટી પાસે લોકો દ્વારા અપાયેલી બહુમતિ ન હતી પરંતુ કુશાસન મારફતે તેમની ગતિવિધિ આગળ વધી છે. કર્ણાટક અને ભારતના લોકો તેમના કામોને નિહાળી રહ્યા છે. લોકો તેમના કુશાસન માટે ટુંક સમયમાં જ તેમને બોધપાઠ ભણાવશે. મોદી હાલમાં એક પછી એક રાજ્યોના કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે. આના ભાગરુપે આજે કર્ણાટક સરકારની ઝાટકણી કાઢી હતી અને કર્ણાટકના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરી હતી.