અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે પ્રચારનો દોર ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આક્રમક ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે કહ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આજે ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જંગી જાહેરસભા કરશે. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતેથી ભાજપના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરશે. મોદી આગામી ત્રીજા ચરણની ગુજરાતની ચૂંટણી હેઠળ ગુજરાતમાં વિજળીવેગે પ્રવાસ ખેડવાના છે.
પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ છે. સવારે નવ વાગે જૂનાગઢ લોકસભા સીટના સંદર્ભમાં કૃષિ યુનિવર્સિટી રમત-ગમત મેદાન ખાતે જાહેર સભા થશે જ્યારે સોનગઢ વ્યારામાં બપોરે ૧૨ વાગે જાહેર સભા થશે. મોદી રાજકોટમાં ટુંકુ રોકાણ કર્યા બાદ જૂનાગઢમાં સભા કરનાર છે. મોદીની સભા અને કાર્યક્રમોને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના સભાસ્થળે તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજીબાજુ, વડાપ્રધાનના આગમનને લઇ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે. મોદીની સુરક્ષામાં ૧૩૦૦ પોલીસ જવાનો ખડેપગે રહેશે. રાજકોટ ખાતે એરપોર્ટ રોડ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. જેમાં ૮ એસપી, ૧૪ ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૧૨૦ પીએસઆઇ સહિત ૧૩૦૦ જવાનો ખડેપગે રહેશે. એસઆરપીની એક કંપની, ડોગ સ્ક્વોડ-બોમ્બ ડિસ્પોઝલ ટુકડી પણ તૈનાત રહેશે.
વડાપ્રધાનની જાહેરસભાના પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપનાં ઉમેદવારો પણ સભામાં હાજરી આપશે. સભામાં મોટી સંખ્યામાં મેદની એકત્ર થવાની શકયતા છે. સવારે ૧૦-૩૦ વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા યોજાશે. અહીં તેઓ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોનાં મતદારોને સંબોધશે. બીજીબાજુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ, પોરબંદરના ભાજપના આગેવાનો સાથે બેઠક યોજશે અને ચૂંટણીને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેશોદથી જૂનાગઢ આવશે અને સભા બાદ તેઓ જૂનાગઢ ખાતે ટૂંકુ રોકાણ કરી જૂનાગઢ, પોરબંદર સંસદીય બેઠકના ભાજપના આગેવાનો સાથે બેઠક કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીનાં ઓડિટોરિયમ પાસેના વિરાટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ચૂંટણી સભા માટે વડાપ્રધાન સવારે ૧૦ કલાકે રાજકોટ ખાતે વિમાન માર્ગે આવશે અને બાદમાં હેલિકોપ્ટર મારફતે સીધા જ ૧૦-૩૦ વાગે જૂનાગઢ ખાતે આવી પહોંચશે. મોદીએ ચૂંટણી સભા માટે ૭૦ મિનિટ ફાળવી છે. સભા પૂર્ણ કરી ૧૧.૪૦ વાગે મોદી જૂનાગઢ ખાતેથી રવાના થશે. મોદીની મુલાકાતને લઇ રાજકોટ અને જૂનાગઢ વાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે.