નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક સપ્તાહમાં લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવનાર છે. ટાઇમ્સ મેગા ઓનલાઇન પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હરિફો કરતા ખુબ આગળ દેખાઇ રહ્યા છે. મોદીને મોટા ભાગના લોકો ફરી એકવાર વડાપ્રધાન તરીકે જોવા માટે ઇચ્છુક છે. સર્વેમાં ભાગ લેનાર મોટા ભાગના લોકો તેમની સાથે દેખાયા છે. સર્વેમાં હિસ્સો લેનાર ત્રણ ચતુર્થાશ લોકોએ મોદી પર પંસદગી ઉતારી છે. આશરે એટલા જ લોકો માને છે કે ચૂંટણી બાદ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનનાર છે. આ સર્વેમાં પાંચ લાખ કરતા વધારે યુઝર્સે ભાગ લીધો હતો.
સારા અને નક્કર પરિણામ લેવા માટે ઓનલાઇન પોલમાં એવા જ લોકોના અભિપ્રાયની ગણતરી કરવામાં આવી હતી જે યુજર્સ ઇમેલ આઇડીથી લોગ ઓન કરીને સર્વેમાં ભાગ લઇ રહ્યા હતા. લોગ ઓનની શરત એવી રાખવામાં આવી હતી કે યુઝર્સ વારંવાર વોટ ન કરી શકે. પોલના પરિણામ દર્શાવે છે કે વડાપ્રધાન લોકપ્રિયતાના મામલે તેમના હરિફો કરતા ખુબ આગળ છે. આશરે ૮૪ ટકા લોકો માને છે કે જો આજે ચૂંટણી યોજાય તો વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી મોદી રહેશે.
આ યાદીમાં રાહુલ ગાંધી બીજા સ્થાન પર છે. ૮.૩૩ ટકા લોકોએ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે ગણાવ્યા છે. મમતા બેનર્જીને ૧.૪૪ ટકા મત મળ્યા છે. મોદી સરકારની કામગીરીને બે તૃતિયાશ લોકોએ સારી અને ખુબ સારી તરીકે ગણાવી છે. ૫૯.૫૧ ટકા લોકો સારી કામગીરી માટે મત આપે છે. મોદી સરકારને આ ઓનલાઇન સર્વેથી મોટો ફાયદો થાય તેમ પણ માનવામાં આવે છે.