અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલે તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારા લોકસભા ચૂંટણીના મતદાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પીએમ મોદી આજે બપોરે ૩-૦૦ કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધી સાંજે વડોદરા પહોંચશે. ત્યારબાદ વડોદરાથી ઉદયપુરમાં સભા સંબોધવા જશે. ત્યાંથી તેઓ રાત્રે ૮-૦૦ કલાકે ઉદયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ રાત્રે ૯-૦૦કલાકે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ તા.૨૩ એપ્રિલની સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈ ૭-૩૦ કલાકે રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી ઓડીશા જવા રવાના થશે.
જ્યારે મોદીના માતા હીરાબા પરિવાર સાથે સવારે ગાંધીનાગરના કોબા સર્કલ પાસે આવેલા રાયસણ ગામના મતદાન બૂથ નંબર-૩ ખાતે સવારે ૯-૩૦ વાગ્યે મતદાન કરશે. મોદીના મતદાનને પગલે રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાનું સેક્ટર-૧ જેસીપી અને ડીસીપી ઝોન ૨ સહિતના અધિકારીઓએ સુરક્ષાને લઈ સુપરવીઝન કર્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થા માટે વ્યાસવાડીથી બલોલનગર ચાર રસ્તા અને ચાર રસ્તાથી નિશાન સ્કૂલ સુધી રોડની આસપાસ બેરીકેડ લગાવવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં સામાન્ય લોકોને તકલીફ ન સર્જાય તેને લઈ પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તો, જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પણ આજે રાણીપની નિશાન સ્કૂલ ખાતેની વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકબાજુ રાણીપની સ્કૂલમાં મતદાન કરવાના છે ત્યારે બીજીબાજુ, ભાજપના અન્ય નેતાઓ અને કોંગ્રેસના મહાનુભાવો પણ આવતીકાલે અમદાવદ શહેર સહિતના રાજયના વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા પહોંચશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી એસજી હાઇવે પરની ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ખાતે, દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી ખાનપુર વિસ્તારમાં ભરડીયા વાસમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં મતદાન કરશે. રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ શીલજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કરશે. તો, એનસીપીમાં જાડાયેલા શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના વાસણ ગામમાં મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉલ્લેખનીય છે કે, અડવાણી(અમદાવાદ, પશ્ચિમ) સિવાય તમામ નેતાઓ સમગ્ર દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક એવી ગાંધીનગર લોકસભા બેઠકમાં મતદાન કરશે. તો, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પિતા એવા રાજયના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી બોરસદ ખાતે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ ખાતે કેશવપુરા પ્રા.શાળા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ ગાંધીનગર ખાતે ચીલ્ડ્ર્ન્સ યુનિ.ખાતેના મતદાન મથકે, અર્જુન મોઢવાડિયા પોરબંદર મોઢવાડા ખાતે, સિધ્ધાર્થ પટેલ ડભોઇ ખાતે, ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા સેકટર-૬ ગાંધીનગર અને ડો.મનીષ દોશી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોડકદેવ ખાતે મતદાન કરશે.