મોદીની અરૂણાચલ યાત્રાને લઇ ચીન ફરી પરેશાન થયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની યાત્રાને લઇને ચીને ફરી એકવાર જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ભારતીય નેતૃત્વને આવા કોઇ પગલા લેવા જાઇએ નહીં જેનાથી સરહદી વિવાદ જટિલ બની શકે. ચીનની આ પ્રતિક્રિયાનો ભારતે પણ જારદાર જવાબ આપ્યો છે. ભારતે તરત જ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અખંડ ભાગ છે. તેની સામે કોઇને પણ વાંધો હોઈ શકે નહીં. ચીનની પ્રતિક્રિયાને અમે નોંધમાં લેતા નથી. મોદીના અરુણાચલ પ્રવાસને લઇને ચીન દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતના એક અખંડ ભાગ તરીકે છે.

ભારતીય નેતાઓ સમય સમયે નિયમિતરીતે યાત્રા કરતા રહ્યા છે. અન્ય રાજ્યોની જેમ જ અરુણાચલમાં ભારતીય નેતાઓ તેમની રીતે પહોંચે છે. અનેક વખત ચીન સરકારને આ સંદર્ભમાં જાણ કરવામાં આવી ચુકી છે. આ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે મોદીના અરુણાચલ પ્રવાસને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ચીન અને ભારત સરહદને લઇને ચીનનું વલણ સ્પષ્ટ છે. ચીનની સરકારે ક્યારે પણ અરુણાચલને માન્યતા આપી નથી. અમે ભારતીય નેતાના અરુણાચલના પ્રવાસને લઇને વાંધો ઉઠાવીએ છીએ.

ચીન ભારતીય પક્ષને અપીલ કરે છે કે, બંને દેશોના સંયુક્તહિતોને ધ્યાનમાં લઇને પગલા લેવામાં આવે. સરહદી વિવાદને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ૨૧ રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે. ભારતીય નેતાઓના અરુણાચલ પ્રવાસને લઇને અગાઉ પણ ચીને વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે.

Share This Article