નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પુલવામામાં ભીષણ આતંકવાદી હુમલાથી સાબિતી મળી ગઈ છે કે મંત્રણા માટેનો સમય પૂર્ણ થઈ ગયો છે. સાથે સાથે આતંકવાદીઓ સામે પગલાં લેવા ખચકાટનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે. હવે આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર મોદીએ આર્જેન્ટીનાના પ્રમુખ સાથેની પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા બાદ કહ્યું હતું કે વિશ્વના દેશો આતંકવાદીઓ અને આતંકવાદીઓને ટેકો આપનાર દેશો સામે સંગઠિત થઈ રહ્યા છે. મંત્રણા બાદ ભારત અને આર્જેન્ટીના વચ્ચે ૧૦ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્જેન્ટીનાના પ્રમુખ મોર્સીયો મેક્રી સાથે મોદીએ શિખર વાતચીત કરી હતી. બંને દેશોએ સંરક્ષણ, ન્યુક્લિયર એનર્જી, ટુરીઝમ, માહિતી અને પ્રસારણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા.
મોદીએ કહ્યું હતું કે તેઓ અને પ્રમુખ મેક્રી એવા મુદ્દા ઉપર સહમત છે કે આતંકવાદ વિશ્વશાંતિ અને સ્થિરતા સામે મોટા ખતરા તરીકે છે. પુલવામામાં મોટા ત્રાસવાદી હુમલાથી સાબિતી મળી ગઈ છે કે મંત્રણા માટેનો સમય નીકળી ચુક્યો છે હવે એવી જરૂર છે કે આતંકવાદ સામે વિશ્વના દેશો સંગઠિત બને અને તેને ટેકો આપતા દેશોને પણ બોધપાઠ ભણાવવામાં આવે. મેક્રીની ઉપસ્થિતિમાં અખબારી નિવેદન બાદ મોદીએ કહ્યું હતું કે આક્રમક કાર્યવાહી કરવાનો સીલસીલો શરૂ થઈ ચુક્યો છે. આર્જેન્ટીનાના પ્રમુખ એવા પ્રથમ આંતરરાષ્ટ્રીય લીડર છે જે પુલવામા હુમલા બાદ ભારતમાં આવ્યા છે.
સીઆરપીએફ જવાનોના મૃત્યુને વખોડી કાઢીને મેક્રીએ કહ્યું હતું કે ભારત અને આર્જેન્ટીનાએ આતંકવાદના દુષણને રોકવા સાથે મળીને લડવું જાઈએ. બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સંરક્ષણ સહકાર સમજૂતિનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે આનાથી દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળશે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર જુદા જુદા ક્ષેત્રોમાં બંને દેશો સહકાર કરશે. મોદીએ કહ્યું હતું કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમ, ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં ભારતને ટેકો મળ્યો છે.