નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહમાં ગેરહાજર રહેનાર પોતાના મંત્રીઓને લઇને ભારે લાલઘૂમ દેખાયા હતા. મંત્રીઓના આ પ્રકારના વલણથી મોદી એટલા હદ સુધી નારાજ હતા કે, પાર્ટી નેતાઓને સાંજ સુધી ગેરહાજર રહેનાર મંત્રીઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આજે મંગળવારના દિવસે ભારતીય જનતા પાર્ટીના સાપ્તાહિક સંસદીય બેઠક યોજાઈ હતી જેમાં મોદીએ પાર્ટી નેતાઓ અને ખાસ કરીને પોતાના મંત્રીઓને કઠોર સંદેશા આપ્યા હતા. મોદી રોસ્ટરમાં હોવા છતાં સંસદમાં ગેરહાજર રહેનાર મંત્રીઓને લઇને નારાજ દેખાયા હતા. મોદીએ આ મુદ્દાને ગંભીરતાથી લઇને આવા મંત્રીઓની યાદી તૈયાર કરવા માટે સંબંધિતોને સૂચના આપી છે.
આ ગાળા દરમિયાન મોદીએ સાંસદોને સમાજ સેવા સાથે જાડાયેલા મુદ્દાઓને ઉપાડવા માટે અપીલ કરી હતી. મોદીએ બેઠકમાં સાંસદોને કહ્યું હતું કે, પોતાના ક્ષેત્રો માટે ઇનોવેટિવ રીતે વિચારવાની જરૂર છે. સાંસદોને સામાજિક કાર્યો સાથે જાડાઈ જવા માટે કહ્યું હતું. મોદીએ પશુપાલન ઉપર ચર્ચા કરતા સાંસદોને પશુઓ સાથે સંબંધિત બિમારીઓનો ઉકેલ શોધી કાઢવા માટે પણ કહ્યું હતું. મોદીએ ૧૧૫ પછાત જિલ્લાઓમાં અને ખાસરીતે સાંસદોને કામ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. મોદીએ ફરજ ઉપર આવવાને લઇને સાંસદોની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે જે મંત્રી રોસ્ટર ડ્યુટીમાં જઈ રહ્યા નથી તે લોકોની યાદી પણ સોંપવામાં આવે તે જરૂરી છે. રાજ્યસભા અને લોકસભામાં મંત્રીઓની બે-બે કલાકની ડ્યુટી લાગે છે.
અનેક વખત મંત્રી સંસદમાં હોતા નથી ત્યારે વિપક્ષ પીએમને પત્ર લખીને ફરિયાદો પણ કરે છે. મળેલી માહિતી મુજબ સંસદમાં ગેરહાજર રહેનાર મંત્રીઓને લઇને મોદી આગામી દિવસોમાં કેટલીક કઠોર કાર્યવાહી પણ કરી શકે છે.
\