ખરગોન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખરગોનમાં વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીની અંતિમ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, મતદારોથી પાંચ સેકન્ડમાં મત આપીને દેશને મોટી જવાબદારી સોંપી શકાય છે. વડાપ્રધાને આતંકવાદ, ગરીબી, ખેડૂતો, વિજળી, મહિલા સશક્તિકરણ, શૌચાલયના મુદ્દા ઉપર પ્રજાના સપોર્ટની માંગ કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ વખતે ૩૦૦થી વધુ સીટ મેળવવાના આશીર્વાદ માંગવા માટે પ્રજાની પાસે આવ્યા છે.
મધ્યપ્રદેશમાં ખરગોનમાં ચૂંટણી માટે પોતાની અંતિમ સભામાં મોદીએ કહ્યું હતું કે, ૨૧મી સદીના ભારતના આજ નિર્માતાઓના ઉત્સાહના લીધે સ્થિતિ ઉલ્લેખનીય દેખાઈ રહી છે. દેશ આજે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઇને કામરુજ સુધી સમગ્ર દેશમાં એક જ અવાજ છે કે, ફરીવાર મોદી સરકારને તક મળવી જોઇએ. છેલ્લા ત્રણ ચાર દિવસથી અબ કી બાર ૩૦૦ પારની વાત પણ સાંભળી રહ્યા છે. ઇવીએમ મશીનમાં જઇને મત આપવામાં માત્ર ૫ સેકંડનો સમય લાગે છે. પાંચ સેકંડનો સમય બગાડીને આગામી પાંચ વર્ષની સત્તા સોંપી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત મેરઠથી થઇ હતી. છેલ્લી સભા ખરગોનમાં થઇ હતી. ઐતિહાસિક નજર કરવામાં આવે તો મેરઠ અને ખરગોનની વચ્ચે ખુબ ઓછું અંતર રહેલું છે. બંને શહેર ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા છે.
વડાપ્રધાને ભાષણમાં આદિવાસી ક્રાંતિકારી ભીમા નાયકનો ઉલ્લેખ કર્યો હતો. આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવાની અમારી પ્રતિબદ્ધતાને ભરપુર જનસમર્થન મળ્યું હોવાનો દાવો મોદીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના લોકોની પણ આજ ભાવના છે કે, આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને ખતમ કરવામાં આવે.