નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દાવો કર્યો હતો કે ચાર તબક્કામાં મતદાન યોજાયા બાદ તેમની પાર્ટીનું આંતરિક મુલ્યાંકન દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચુંટણીમાં હાર થઈ રહી છે. એક ભયભીત વડાપ્રધાનને વિપક્ષના પ્રહારોનો સામનો કરવામાં મુશ્કેલ નડી રહી છે. પાર્ટી હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદમાં બોલતા રાહુલે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા એમ કહેવામાં આવતું હતું કે મોદીને હરાવી શકાય નહીં અને તેઓ ૧૦થી ૧૫ વર્ષ શાસન કરશે પરંતુ કોંગ્રેસે તેમને પુરા કરી દીધા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ચિદમ્બમર, અહેમદ પટેલ, આનંદ શર્મા અને સુરજેવાલાની ઉપસ્થિતિમાં રાહુલે કહ્યું હતું કે જે માળખુ રહેલું છે તે પોકળ છે. ૧૦ થી ૧૫ દિવસમાં તૂટી પડશે. એવા સંકેત મળી રહ્યા છે કે મોદી ચુંટણી હારી રહ્યા છે. એક ગુપ્ત લહેર જાવા મળી રહી છે અને ભાજપનો પરાજય થશે. ભારત તરફથી કોઈ વ્યૂહાત્મક પ્રચાર તેમને દેખાતો નથી. આમાં તેમને સફળતા પણ મળશે નહીં. લોકસભા ચુંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ શાનદાર રહેશે. રાહુલે કહ્યું હતું કે બેરોજગારી અને નોકરીની સમસ્યા ગંભીર બનેલી છે. નોકરી અને ન્યાય યોજના પર પ્રાથમિકતા રહેલી છે.