મયુરભંજ : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે આજે ઓરિસ્સામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. અમિત શાહે ભ્રષ્ટ અને કમજાર બીજુ જનતાદળ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આ સરકાર સત્તામાંથ દુર થશે તો જ ઓરિસ્સામાં વિકાસની ગતિ તીવ્ર બની શકશે. આદિવાસીવાળા મયુરભંજ લોકસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેશભરના લોકો સંકલ્પ કર ચુક્યા છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. ભાજપ પ્રમુખ અમિત શાહે દાવો કર્યો હતો કે તેઓ ૨૬૧ લોકસભા ક્ષેત્રોમાં જનસભા કરી ચુક્યા છે.
પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી તમામ લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. જેથી સ્પષ્ટ છે કે સમગ્ર દેશે મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કરી લીધો છે. ભાજપની વધતી લોકપ્રિયતાને લીધે બીજેડીની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઝડપી વિકાસ માટે ઓરિસ્સાની પ્રજાએ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર બને તે માટે મતદાન કરવું જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં અગાઉ ખૂબ નબળી સરકાર હતી જે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ સામે ફ્લોપ રહી હતી.
કોઈ પગલા લઈ શકાયા ન હતા. દરરોજ આતંકવાદી હુમલા થતા હતા. દેશના જુદા જુદા ભાગોમાં બોમ્બ ધડાકા થતા હતા. ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભાની ચુંટણી એકસાથે યોજાઈ રહી છે. ચોથા તબક્કા માટે ૨૯મી એપ્રિલના દિવસે મતદાન થશે. અમિત શાહે આક્રમક પ્રચાર કર્યો હતો.