સોનપુર-રાયપુર : ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આક્રમક ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા. બંને રાજ્યોમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ છત્તીસગઢના બાલોદમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મજબૂર સરકાર માટે ચૂંટણી લડી રહી છે જ્યારે અમે મજબૂત સરકાર માટે ચૂંટણી લડી રહ્યા છે. છત્તીસગઢની નવી સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી એક મજબૂત સરકાર માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું તું કે, મજબૂત સરકારમાં મજબૂત નિર્ણયો થાય છે જ્યારે મજબૂર સરકાર હોય છે ત્યારે લોકોના સ્વાર્થ માટે નિર્ણય લેવામાં આવે છે.
બાલોદમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, દેશના મનમાં એક ચિત્ર સ્પષ્ટ છે કે, મજબૂત સરકાર દેશમાં રહે તે જરૂરી છે. નિયત અને નીતિની પણ વાત રહેલી છે. કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષને જીતાડવા માટે ચૂંટણી લડે છે જ્યારે અમે દેશને જીતાડવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી આતંકવાદીઓ, કટ્ટરપંથીઓને ખુલ્લી છુટ આપવા માટે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અમે આતંકવાદ અને અલગતાવાદીઓને તેમના પાપોની સજા આપવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. મોદીએ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથીઓ દેશની સેનાને મજબૂર અને કમજાર કરવા ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અમે સેનાને આત્મનિર્ભર બનાવા ચૂંટણી લડી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષના ગાળામાં લોકો જાઈ ચુક્યા છે કે એક મજબૂત સરકારનો મતલબ શું હોય છે. જ્યારે મજબૂત સરકાર હોય છે ત્યારે આતંકવાદી હુમલા બાદ દેશના લોકો શાંત બેસતા નથી અને દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે આતંકવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવ્યા ત્યારે દેશના લોકોમાં ઉજવણી થઇ રહી હતી. જ્યારે મજબૂત સરકાર હોય છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દુનિયા પણ અમારી વાત સાંભળે છે. મજબૂત સરકાર શું હોય છે તેના દાખલા આજે જોવા મળી શકે છે. વિશ્વભરમાં ભારતની ગુંજ જાવા મળી રહી છે. ચોકીદારની સરકાર જાઇએ છે કે પછી ભ્રષ્ટાચારની બારાત જાઇએ છે તેવો પ્રશ્ન મોદીએ ઉપસ્થિત લોકોને કર્યો હતો.
કોંગ્રેસની સામે આજે મજબૂત આક્રોશ છે ત્યારે આનુ કારણ તેની નીતિ રહેલી છે. કોંગ્રેસે જે ઘોષણાપત્ર જારી કર્યો છે તેમાં અનેક દેશદ્રોહીઓને લાભ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જો દેશની પ્રજા કોંગ્રેસ પાર્ટીને તક આપશે તો જવાનો સામે સુરક્ષા પરત ખેંચી લેવામાં આવશે. જવાનોને સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે, નામદાર પોતાની સીટ ઉપરથી પલાયન કરી ગયા છે. નામદાર જેને પોતાની સીટ તરીકે ગણી રહ્યા હતા ત્યારે પલાયન કરવાની ફરજ પડી રહી છે.
ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે પહેલાથી જ મેદાન છોડીને દિગ્ગજા ભાગી રહ્યા છે. નામદારને સૌથી સુરક્ષિત સીટ શોધી કાઢવાની ફરજ પડી રહી છે જેથી સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સ્થિતિ એટલા માટે ઉભી થઇ છે કે, કોંગ્રેસની નિયતમાં ખામી દેખાઈ રહી છે. દલાલો અને વચેટિયાઓની માયાજાળ ઉભી કરવામાં આવી હતી. હેલિકોપ્ટરની ખરીદીમાં પણ કૌભાંડો થયા હતા. સોનપુરમાં પણ મોદીએ કોંગ્રેસ હટાવોની વાત કરી હતી. ગરીબી દૂર કરવા માટે સૌથી પહેલા કોંગ્રેસને હટાવવાની જરૂર છે. ઓરિસ્સાના સોનપુરમાં મોદીએ બીજુ જનતા દળ સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા.