નવી દિલ્હી: પહાડગંજના માર્ગો પર આજે જ્યારે કાળી ગાડીઓનો કાફલો નિકળ્યો ત્યારે લોકોને એક વખતે વિશ્વાસ થયો ન હતો કે દેશના વડાપ્રધાન મોદીનો કાફલો છે. આનું કારણ એ હતું કે ત્યાંથી કોઈપણ રસ્તાને બંધ કરવામાં આવ્યા ન હતા. ટ્રાફિકને પણ રોકવામાં આવ્યા ન હતા. કોઈ વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી ન હતી. મોદીનો આ કાફલો ખૂબ જ શાંતિપૂર્વક સામાન્ય ગાડીની જેમ નીકળી ગયો હતો. મોદીની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી)ની હોય છે.
વડાપ્રધાન સ્વચ્છતા સમર્થન કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. તેઓ પહાડગંજના બાબાસાહેબ આંબેડકર સ્કુલ પહોંચ્યા હતા. મોદીએ ત્યાં ઝાડુ ઉઠાવીને પોતે સફાઈ પણ કરી છે. મોદીના કાફલા દરમિયાન રસ્તાને નહીં રોકવાને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચા રહી હતી. રસ્તામાં કેટલીક જગ્યાએ મોદીનો કાફલો પણ ફસાયો હતો. એક ફોટામાં વડાપ્રધાનનો કાફલો રેડ લાઈટ વિસ્તારમાં અટવાયેલો પણ નજરે પડ્યો હતો અને લાઈટ ગ્રીન થાય તેની વડાપ્રધાનનો કાફલો રાહ જાતો નજરે પડ્યો હતો. સામે આવેલા વીડિયોમાં જાઈ શકાય છે કે મોદીનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે આસપાસના વિસ્તારમાંથી બાઈકવાળા પણ નીકળી રહ્યા હતા.
વડાપ્રધાનનો કાફલો એટલો શાંતિથી કોઈપણ સુરક્ષા રૂટની ખાતરી કર્યા વગર નીકળી ગયો હતો. આ બાબત કોઈ સામાન્ય બાબત નથી. સામાન્ય રીતે વડાપ્રધાનનો કાફલો જે માર્ગ પરથી પસાર થાય છે ત્યાં ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. સુરક્ષાને લઈને ખાસ તૈયારી પણ કરવામાં આવે છે. મોદી પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ દેશમાં વીઆઈપી કલ્ચરનો અંત લાવવા ઈચ્છુક છે. પહેલા મોદી સરકારના જ નેતાઓ અને વીઆઈપીઓ ગાડીઓ પરથી લાલ લાઈટને દુર કરવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે.