પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. આ સેન્ટર વયોવૃદ્ધ લોકોને મલ્ટિ-સ્પેશિયાલિટી આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરશે. આ સેન્ટર ૨૦૦ જનરલ વોર્ડ બેડ ધરાવે છે.
આ જ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સફદરજંગ હોસ્પિટલમાં ૫૫૫-બેડ ધરાવતા સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ઉદઘાટન પણ કર્યું હતું. તેમણે સફદરજંગ હોસ્પિટલમાં ૫૦૦-બેડ ધરાવતા નવા ઇમરજન્સી બ્લોક, એઈમ્સમાં ૩૦૦ બેડ ધરાવતાં પાવર ગ્રિડ વિશ્રામ સદન તથા એઈમ્સ, એન્સારી નગર અને ટ્રોમા સેન્ટર વચ્ચે કનેક્શન મોટોરેબલ ટનલ પણ દેશને અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં સરકારી આરોગ્ય સેવાને નવી દિશા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રેણીબદ્ધ નીતિગત હસ્તક્ષેપો મારફતે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ એવી સ્થિતિ પેદા કરવાનો છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગને સારી આરોગ્ય સેવાઓ સુલભ થઈ શકે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓમાં સુધારો થઈ રહ્યો છે અને બીજી શ્રેણીના તથા ત્રીજી શ્રેણીના શહેરોમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આરોગ્ય નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વાજબી આરોગ્ય સેવા અને રોગનું નિવારણ સરકારની કાર્યસૂચિમાં ટોચનું સ્થાન પણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિકાસ મંત્રાલય, પીવાનું પાણી અને સાફસફાઈ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા આયુષ મંત્રાલય એમ તમામ આ બહુઆયામી અભિગમથી સંકળાયેલા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી ૨૦૩૦ અગાઉ ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને દેશનું તબીબી ક્ષેત્ર આ કામગીરી પૂર્ણ કરશે એવો વિશ્વાસ છે.