પ્રધાનમંત્રીએ આર્થિક નીતિ- ભવિષ્યની સંભાવનાઓ વિશે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત “આર્થિક નીતિ– ભવિષ્યની સંભાવનાઓ” વિષય પર 40 અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી હતી.

આ સત્ર દરમિયાન સહભાગીઓએ દીર્ઘ-અર્થવ્યવસ્થા, કૃષિ અને ગ્રામીણ વિકાસ, રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ, ઉત્પાદન અને નિકાસ, શહેરી વિકાસ, માળખાગત સુવિધા અને જોડાણ જેવા વિવિધ આર્થિક વિષયો પર તેમનાં વિચારોની આપ-લે કરી હતી.

નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ તમામ સહભાગીઓને તેમનાં વિચારપ્રેરક સૂચનો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ વિવિધ સહભાગીઓનો અર્થતંત્ર સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર તેમનાં સૂચનો અને વિશ્લેષણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમણે વિવિધ વિષયનાં નિષ્ણાતો દ્વારા થયેલા ગુણવત્તાયુક્ત સૂચનોની પ્રશંસા કરી હતી.

આ બેઠકમાં આર્થિક વિષયો સાથે સંબંધિત કેટલાંક કેન્દ્રિય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમાર તથા કેન્દ્ર સરકાર અને નીતિ આયોગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

 

Share This Article