અમદાવાદ : પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બુધવારે અમદાવાદમાં ‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ પ્રદર્શન માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્લાસ્ટિક તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સંબંધિત હિતધારકો એકત્રિત થયા હતા, જેમની સમક્ષ ઉદ્યોગના વિકાસના દૃષ્ટિકોણની માળખાગત રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે, ‘ભારત નેક્સ્ટ’ રોડમેપ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત, વર્ષ 2026 સુધીમાં નેશનલ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના વેલ્યુએશનને $50 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સમર્પિત, ‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ પ્રદર્શન, આગામી 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ શોના પ્રમોશનના ભાગરૂપે બુધવારે યોજાયેલા રોડ શોમાં, ઉદ્યોગના અગ્રણીઓ અને નીતિ નિર્માતાઓએ હાજરી આપી હતી. આ ઈવેન્ટ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સાથે ભાગીદારીમાં યોજવામાં આવી હતી. જેમાં ભારતમાં પ્લાસ્ટિક પ્રોડક્શન, પ્રોસેસ અને નિકાસમાં મુખ્ય યોગદાન આપનાર ગુજરાતની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અહીં ચર્ચાસત્ર દરમિયાન, રાજ્યના ઈન્ટીગ્રેટેડ પેટ્રોકેમિકલ બેઝ અને અગાઉથી સ્થાપિત મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટરો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઈવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “પ્લાસ્ટઇન્ડિયા 2026, એ માત્ર સ્કેલ અને ભાગીદારીની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જવાબદારી અને સસ્ટેનિબિલિટી પર ભાર મૂકવાની દ્રષ્ટિએ પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રદર્શન છે. સામાન્ય રીતે પ્રદર્શનો ઘણીવાર સંખ્યાઓ દ્વારા માપવામાં આવે છે, પરંતુ આ ઇવેન્ટ દરમિયાન રિસાયક્લિંગ અને અન્ય નિર્ધારિત પહેલ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવું, એ ખરેખર પ્રોત્સાહક છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ લગભગ રૂ. 4 લાખ કરોડનું છે અને તે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. તે એવા થોડા સેક્ટરમાંનું એક છે, જ્યાં નિરંતર વિકાસ થયો છે અને જેમાં વિકાસની વિપુલ તકો ઉપલબ્ધ છે. ગુજરાત આવા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે, જેમાં ખાતરીપૂર્વકની નીતિ સહાય, રોકાણ અંગે સલામતી અને લાંબાગાળાનું વળતર સામેલ છે. રાજ્ય સરકાર, રો મટીરીયલ માટેની સરળ ઉપલબ્ધતા, મજબૂત પોર્ટ કનેક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડલી નીતિઓ પૂરી પાડે છે. ગુજરાત પ્લાસ્ટિક સેક્ટરમાં 40% થી વધુ હિસ્સો ધરાવે છે, તેથી હું ઉદ્યોગના અગ્રણીઓને રાજ્યમાં ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે આગ્રહ કરું છું, જ્યાં સરકાર દ્વારા તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવશે.”
વિતેલા દશક દરમિયાન, ભારતના પ્લાસ્ટિક સેક્ટરનો સતત વિકાસ થયો છે. વર્ષ 2010 માં આ ઈન્ડસ્ટ્રી આશરે $15 બિલિયનની હતી, જે 2023 માં વધીને $37 બિલિયનથી વધુની થઈ ગઈ છે. હાલમાં નિકાસ લગભગ $10 બિલિયન છે અને 2026 સુધીમાં $15 બિલિયન સુધી પહોંચી જવાપો અંદાજ છે. આ રોડ શોએ ‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ ને ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, પ્રોસેસર્સ, ટેકનોલોજી પ્રદાતાઓ અને ખરીદદારો માટે એક મુખ્ય મીટિંગ ગ્રાઉન્ડ તરીકે સ્થાન આપ્યું હતું.
આ પ્રસંગે, પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રવિશ કામથે જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્ર વર્ષ 2047 સુધીમાં $30 ટ્રિલિયન સુધી પહોંચવાના માર્ગ પર નિરંતર આગળ વધી રહ્યું છે. પ્લાસ્ટિક સેક્ટર, આ વિકાસનું મુખ્ય એન્જિન હશે. રાજકોટ, હાલોલ અને વાપી જેવા હબમાં અત્યંત વિકસિત પેટ્રોકેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસિંગ ક્ષમતાઓ સાથે, ગુજરાત આ વિસ્તરણનો લાભ લેવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. ‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ પ્રદર્શન, એ ગુજરાતના ઉત્પાદકો માટે વૈશ્વિક કરારો અને ટેકનોલોજી ભાગીદારી મેળવવાનું પ્રવેશદ્વાર છે.”
પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશનના નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન આલોક ટિબરેવાલે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સપ્લાય ચેઇન ફરીથી નિયમિત થઈ રહી છે તેમજ દુનિયા હવે ભરોસાપાત્ર , ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે ભારત તરફ જોઈ રહી છે. 2000+ પ્રદર્શકો અને 6 લાખથી વધુ વિઝિટર્સ સાથે, ‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ પ્રદર્શન, એક સ્કેલ પ્રદાન કરે છે કે, જે દર્શાવે છે કે, ભારતીય ઉત્પાદકો વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. આ શો, ગુજરાતના ઉદ્યોગકારો માટે, સ્થાનિક સ્તરેથી ગ્લોબલ લીડરશીપ તરફ, આગળ વધવા માટે બેસ્ટ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
આ રોડ શોમાં ખાસ કરીને પેકેજિંગ, કન્ઝ્યુમર પ્રોડક્ટસ(ગ્રાહક ઉત્પાદનો), ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસાયક્લિંગ જેવા ક્ષેત્રોમાં ઉભરતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અહીં ચર્ચામાં ભારતના વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ માર્કેટના વિસ્તરણ અને રાષ્ટ્રીય ક્ષમતામાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન દ્વારા પ્રેરિત, સસ્ટેનિબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમી પ્રેક્ટિસને ધ્યાન કેન્દ્રિત કરવાના વધતા ક્ષેત્રો તરીકે રેખાંકિત કરવામાં આવ્યા હતા.
‘પ્લાસ્ટઇન્ડિયા 2026’ માં વિશ્વભરના પ્રદર્શકો અને મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે, જે પ્લાસ્ટિક ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈનને કવર કરશે. આ પ્રદર્શનમાં મશીનરી, રો મટિરિયલ, ફિનિશ્ડ પ્રોડક્ટ અને પ્રોસેસિંગ સોલ્યુશન્સની સાથે-સાથે વિવિધ જ્ઞાનવર્ધક સત્ર અને બિઝનેસ ઇન્ટરેક્શન પ્રોગ્રામનું પણ આયોજન થશે, જેનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
