તાજેતરમાં જ ગુજરાતમાં પાણીના પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેને નષ્ટ થતા હજારો વર્ષો લાગે છે અને એના વપરાશનો વ્યાપ એટલો વધેલો છે કે તેનાથી થતા નુકસાનને હવે અત્યારથી જ અટકાવવું રહ્યું. આજ રોજ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકની સંગ્રહખોરી, ઉત્પાદન કે ઉપયોગ કરવા પર દંડ વસૂલવામાં આવશે. અગાઉ પ્લાસ્ટિકના પૂરતા વિકલ્પ ન હોવાના કારણે પેકેજિંગ સહિતના કેટલાક અન્ય ઉત્પાદનોમાં રાહત આપવાની વેપારીઓની માગ હતી, પરંતુ રાહતની મર્યાદા પૂરી હવે પુરી થઇ ગઈ છે.
મુંબઈની સ્થાનિક સરકારે 23 માર્ચે એકવાર વપરાયેલી થેલી, ચમચી, પ્લેટ, થર્મોકોલની વસ્તુઓ સહિત પ્લાસ્ટિકની તમામ સામગ્રીના નિર્માણ, વપરાશ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ આદેશને સરકારની મનમાની, કાયદાનો દુરુપયોગ અને આજીવિકા રળવાના મૌલિક અધિકાર પર તરાપ ગણાવીને પડકારવામાં આવી હતી. જોકે કોર્ટે ગત એપ્રિલમાં અપાયેલા આ આદેશ પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કર્યો હતો.
મુંબઈ ક્ષેત્રની સીમામાં BMCએ પ્લાસ્ટિક ઉપયોગકર્તાઓ પાસેથી દંડ વસૂલવા માટે 250થી વધુ લોકોની એક ખાસ ટીમ બનાવી છે. આ ટીમને વાદળી જેકેટ આપવામાં આવ્યું છે અને સાથે દંડ વસૂલવા માટેનો આદેશપત્ર પણ આપવામાં આવ્યો છે. હવેથી પ્લાસ્ટિકના વપરાશ પાર પહેલીવાર દોષિત થનારને 5,000 રૂપિયા દંડ, બીજીવાર દોષિત થનારને 10,000 દંડ અને ત્રીજીવાર દોષિત થનારને 25 હજાર રૂપિયા દંડ અને 3 મહિનાની જેલ પણ થશે.