લતાજીની યાદમાં તિરુપતિ ઋષિવનમાં વૃક્ષો વાવ્યા અને નામ લતા મંગશેકર ઉપવન આપ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોકગાયિકા લતા મંગેશકરજીનું નિધન થતો દેશમાં શોકનો માહોલ છે અને ઠેરઠેર લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા લતા દીદીને અનોખી શ્રદ્ધાંજલિ અપાઇ છે. જેમાં તેમની યાદમાં તિરુપતિ ઋષિવન ખાતે ૧૧૧૧ વૃક્ષોનું વાવેતર કરાયું હતું અને આ વૃક્ષોનો ઉછેર કરી તે સ્થળને લતા મંગેશકર ઉપવન નામ આપવામાં આવ્યું છે. તિરુપતિ ઋષિવનના સૂત્રોએ જણાવ્યું કે, પર્યાવરણ પ્રેમી જીતુભાઈ વૃક્ષોની માવજત કરે છે. જેમાં તેમણે રવિવારે ૧૧૧૧ વૃક્ષોનું વાવેતર કરી લતા દીદીની યાદમાં વધુ એક ઉપવન બનાવ્યું છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી ૧૧ વર્ષ પહેલાં વડનગરની સંગીતબેલડી તાના અને રીરીની યાદમાં તાનારીરી સંગીત એવોર્ડ શરૂ કરાયો હતો. જે પ્રથમ એવોર્ડ લતા મંગેશકર અને ઉષા મંગેશકર બેલડીને એનાયત કરાયો હતો.

જોકે, નાદુરસ્ત તબિયતને કારણે આ મહોત્સવમાં રૂબરૂ હાજર નહીં રહી શકેલાં લતાજીએ દિલગીરી વ્યક્ત કરતો વીડિયો રેકોર્ડેડ સંદેશો પાઠવ્યો હતો. જેમાં નરેન્દ્ર મોદીને સંગીતનો આ ભવ્ય મહોત્સવ શરૂ કરવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આપે વડનગરની મહાન ગાયિકા બે બહેનો માટે મને બોલાવી છે અને મને તેમનો તાના-રીરી એવોર્ડ અપાઇ રહ્યો છે પરંતુ હું આવી શકી નથી મને આશા છે કે આપ મને માફ કરશો.સ્વરસામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરજીનું નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિજાપુર નજીક આવેલા તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા ૧૧૧૧ વૃક્ષોનું વાવેતર કરી આ સ્થળને લતા મંગેશકર ઉપવન નામ આપવામાં આવ્યું છે.

Share This Article