રાજ્યવ્યાપી આઈઈએલટીએસ પરીક્ષા કૌભાંડમાં તપાસ કરી રહેલી મહેસાણા બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે. પરીક્ષા લેતી સંસ્થાના ટેસ્ટ ડે સુપરવાઇઝરની સમગ્ર કૌભાંડની તપાસ કરી રહેલી સીટની ટીમે સઘન પૂછપરછ આદરી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડમાં ૪૪ આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે અત્યાર સુધી ત્રણ રાઇટર્સ, બે સુપરવાઇઝર, એક ડ્રાઇવર સહિત ૬ આરોપીઓની ધરપકડ કરાઇ ચૂકી છે.
વિદ્યાર્થીઓ પાસેથી માતબર રકમ ઉઘરાવીને આઈઈએલટીએસની પરીક્ષામાં પોતાના રાઇટર્સ સહિતની ટીમ દ્વારા લેખિત સહિતની પરીક્ષાઓ અપાવી આઇઈએલટીએસની પરીક્ષામાં ઊંચા બેન્ડ લાવી આપવાના કૌભાંડમાં ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ ગઠન કરાયેલી પીઆઇ નિલેશ ઘેટીયા અને પીએસઆઇ જે.પી. રાવ સહિતની સીટની ટીમે મંગળવારે આ પરીક્ષા કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીની અટકાયત કરી છે. સમગ્ર રાજ્યમાં વિદેશ જવા માટેની આઈઇએલટીએસની પરીક્ષા લેતી અમદાવાદની પ્લાનેટ ઇડિયુ સંસ્થાના અને પરીક્ષામાં ટેસ્ટ ડે સુપરવાઇઝરની ફરજ બજાવતા તરુણ વાઘેલા નામના આરોપીની અટક કરી સીટની ટીમે મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી અને અન્ય આરોપીઓની કડી મેળવવા સઘન પૂછપરછ હાથ ધરી છે.