નૈરોબી : ઇથોપિયાના અદીસ અબાબાથી નૈરોબી જઇ રહેલું ઇથોપિયન એરલાઈન્સનું વિમાન આજે ઉંડાણ ભર્યાના છ મિનિટના ગાળામાં જ તુટી પડ્યું હતું. જેમાં તમામ ૧૫૭ લોકોના મોત થઇ ગયા છે. મૃત્યુ પામેલાઓમાં ૧૪૯ યાત્રીઓ અને ૮ ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇથોપિયન એરલાઇન્સમાં મૃતકોમાં કેનેડા, ચીન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ઇથોપિયાના નાગરિકો હતા. મૃતકોમાં ચાર ભારતીયો હોવાના પણ અહેવાલ મળ્યા છે. ઇથોપિયાના વડાપ્રધાને વિમાન દુર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું છે. આ વિમાને ઉંડાણ ભર્યા બાદ તરત જ એર ટ્રાફિકનો સંપર્ક કર્યો હતો પરંતુ ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઉંડાણ ભર્યા બાદ સવારે ૮.૪૪ વાગે સંપર્ક તુટી ગયો હતો.
પાટનગર અદીસથી ૬૦ કિલોમીટરના અંતરે ફ્લાઇટ ઇટી-૩૦૨ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. બીજી તરફ રોઇટર્સે એક અધિકારીનો હવાલો ટાંકીને જણાવ્યું કે, અકસ્માતમાં કોઇ પણ મુસાફરની બચવાની શક્યતાઓ નહીવત્ત છે. ૧૪૯ યાત્રી અને ૮ ક્રુમેમ્બર સહિત તમામ ૧૫૭ લોકોનાં મોત નિપજ્યાં છે.
ઇથોપિયા એરલાઇન્સના સ્ટાફને ઘટના સ્થળ પર મોકલવામાં આવશે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ કરવા માટે જે કંઇ પણ સંભાવના હશે ,તેવું કરવામાં આવશે. ફ્લાઇટમાં જે બેઠેલા હતા તેમનાં મિત્રો અને પરિવારજનોને માહિતી આપવા માટે ઝડપથી ઈન્ફોર્મેશન સેન્ટર ચાલુ કરવામાં આવશે. ઈથોપિયાના વડાપ્રધાને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઈથોપિયન એરલાઈન્સના આ વિમાને સ્થાનિક સમય મુજબ સવારે ૮.૩૮ કલાકે અદિસ અબાબાથી ઉડાણ ભરી હતી અને સવારે લગભગ ૮.૪૪ કલાકે તેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. ફ્લાઈટ ઈટી ૩૦૨નો રાજધાની અદિસથી લગભગ ૬૦ કિમી દૂર બિશોફ્ટુ શહીમાં આ અકસ્માત થયો છે.