નવી દિલ્હી : ફ્રાંસની સાથે રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામનો દોર જારી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાંસની કંપની દશો કંપનીના સીઈઓ તરફથી ખુલાસો કરવામાં આવ્યા બાદ આજે ભાજપે કોંગ્રેસ પાર્ટી ઉપર વળતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એક પછી એક ખોટું નિવેદન કરીને દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુરુવારના દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનના ફ્રાંસ પ્રવાસને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. વડાપ્રધાનને ભ્રષ્ટ વ્યÂક્ત તરીકે ગણાવ્યા હતા. ભ્રષ્ટાચાર સામે લડવા માટે સત્તા ઉપર આવ્યા હતા પરંતુ મોદી પોતે સૌથી મોટા ભ્રષ્ટાચારી સાબિત થઇ રહ્યા છે.
કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, કોઇ મુદ્દા ન મળવાથી કોંગ્રેસ પાર્ટી હવે જુઠ્ઠાણુ ફેલાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ફ્રેંચ મિડિયા દ્વારા જે ખોટા અહેવાલ આપવામાં આવ્યા હતા. તેને લઇને ખુલાસો ફ્રાંસની કંપની દશોના સીઈઓ કરી ચુક્યા છે. પીયુષ ગોયેલે કહ્યું હતું કે, ખોટા નિવેદન કરવાથી ખોટી બાબત વાસ્તવિકતામાં ફેરવાઈ જશે નહીં. ૨૦૧૨માં જે લોકો ગાંધી પરિવારને ફાયદો પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા હતા તે લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
તેમણે કહ્યું હતુંકે, ખોટી બાબતને ૧૦૦ વખત દોહરાવવામાં આવશે તો પણ તે યોગ્ય સાબિત થશે નહીં. રાહુલ ગાંધીના આઠ જુઠ્ઠાણા ગોયેલે રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ફ્રેન્ચ મિડિયા હાઉસના રિપોર્ટને પહેલા ટવિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યો હતો. દશોના સીઈઓ દ્વારા આને રદિયો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટવિસ્ટ કરીને રજૂ કરાયો હતો. સુપ્રીમે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રાફેલની કિંમત અંગે માહિતી માંગવામાં આવી નથી. ફ્રાંસનાપૂર્વ પ્રમુખના નામ ઉપર જુઠ્ઠાણા ફેલાવવાના પ્રયાસ કરાયા હતા પરંતુ ફ્રાંસના પૂર્વ પ્રમુખ પોતે રદિયો આપી ચુક્યા છે. ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદે મોદી અંગે આડેધડ નિવેદનબાજી કરી હતી તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ ઓલાંદ પોતે આને રદિયો આપી ચુક્યા છે.